(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧૭
ગુજરાતમાં કોંગ્રેસ પક્ષ ભલે સત્તામાં નથી પરંતુ વિદ્યાર્થીઓની કારકિર્દી ઉજ્જવળ બને તે હેતુથી છેલ્લા ૧પ વર્ષથી સતત દર વર્ષે કારકિર્દી માર્ગદર્શન પુસ્તક “કારકિર્દી ઊંબરે” ધોરણ-૧૨ પછી શું ? પુસ્તક અને ઈ-બુકનું વિમોચન કરી સ્પર્ધાત્મક વાતાવરણમાં ગુજરાતના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે પથદર્શકનું કામ કરી રહી છે. આ પુસ્તક તૈયાર કરવામાં મુખ્યપ્રવકતા ડૉ. મનિશ દોશી અને તેમની ટીમ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.
“કારકિર્દીના ઊંબરે” ધોરણ-૧૨ પછી શું ? કારકિર્દી માર્ગદર્શન ઈ-બુકના રાજીવ ગાંધી ભવન ખાતે વિમોચન કાર્યક્રમમાં કોંગ્રેસ પક્ષના પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણી, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અર્જુન મોઢવાડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઈ-બુક કોંગ્રેસ પક્ષની વેબસાઈટ www.incgujarat.com અને www.careerpath.info પરથી વિના મૂલ્યે ડાઉનલોડ થશે.
આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડાએ જણાવ્યુ હતું કે, આ ઈ-બુક કારકિર્દી પસંદ કરવા ઉપયોગી સાબિત થશે. કોરોના મહામારીમાં વિદ્યાર્થી-વાલીઓને રાહત મળે તે માટે સત્ર ફી માફી અને માસ પ્રમોસનની કોંગ્રેસ પક્ષ માંગ કરે છે. તેમણે આ પુસ્તક તૈયાર કરવામાં સિંહફાળો આપનાર ગુજરાત પ્રદેશ કોંગ્રસ સમિતિના મુખ્યપ્રવક્તા ડૉ. મનિષ દોશી, ડૉ. વિજય દવે, નિશીત વ્યાસ, હિરેન બેન્કર અને કિર્તન જાનીને કોંગ્રેસ પક્ષ તરફથી અભિનંદન પાઠવ્યા હતા.