પાલનપુર, તા.૧૮
પાલનપુરના જનતાનગર વિસ્તારમાં સાંજે પસાર થઈ રહેલ એક ઈકો ગાડીના ચાલકે અચાનક બ્રેક મારતા પાછળ ગાડી લઈને આવી રહેલ યુવકે ઈકોના ચાલક સાથે તકરાર કરી હતી અને ઉશ્કેરાયેલા યુવકે તેના મિત્રને બોલાવીને રિવોલ્વર વડે ઈકોના ચાલક ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં ઈકો ચાલકે યુવકનો હાથ પકડી લેતા હવામાં ફાયરિંગ થયું હતું બનાવના પગલે લોકોમાં દોડધામ મચી હતી અને પોલીસ દોડી આવી ફાયરિંગ કરનાર યુવકને ઝડપી લઈ તેની સામે કાર્યવાહી હાથ ધરી હતું. પાલનપુરમાં સાંજે હવામાં ફાયરિંગની ઘટના બની હતી જેમાં ડીસાનો વેપારી અન્સાર અહેમદ ઈમ્તિયાઝ અહેમદ પઠાણ જે પોતાની ઈકો ગાડી લઈને પાલનપુરના જનતાનગર મસ્જિદ પાસે પસાર થઈ રહ્યા હતા દરમ્યાન તેમને ઈકોને બ્રેક મારતા પાછળ હુંડાઈ ગાડી લઈને આવી રહેલ પાલનપુર જનતાનગરના સોયેબ સત્તારભાઈ મેમણ ઉશ્કેરાઈ ગયો હતો અને ઈકો ચાલક વેપારી સાથે તકરાર કરી હતી અને જનતાનગરના ઈમ્તિયાઝ સજીરભાઈ પટેલ નામના શખ્સને ફોન કરીને બોલાવતા તે રિવોલ્વર લઈ આવ્યો હતો અને સોયેબે રિવોલ્વર વડે વેપારી અન્સાર અહેમદ પર ફાયરિંગ કરવા જતાં વેપારીએ હાથ પકડી લેતા હવામાં ફાયરિંગ થયું હતું જોકે સમી સાંજે ફાયરિંગની ઘટનાથી લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી બનાવની જાણ થતા જ પોલીસ દોડી આવી હતી અને ફાયરિંગ કરનાર સોયેબ મેમણની અટકાયત કરી હતી અને બનાવ અંગે ફાયરિંગ કરનાર અને તેને મદદ કરનાર શખ્સ વિરૂદ્ધ ગુનો દાખલ કરી બનાવની તપાસ હાથ ધરી છે.