(એજન્સી) તા.૧૯
જ્યારે દેશભરમાં નાગરિકતા સુધારા કાયદા (સીએએ) વિરુદ્ધ દેખાવો ચાલી રહ્યા હતા ત્યારે ડી.એસ.બિન્દ્રા નામનો શીખ યુવક ચર્ચાનો વિષય બની ગયો હતો. ડી.એસ. બિન્દ્રાએ સીએએ વિરોધી દેખાવોને સમર્થન આપવા માટે પોતાનું ફ્લેટ પણ વેચી નાખ્યો હતો અને લંગરની વ્યવસ્થા કરી હતી. જોકે દિલ્હી પોલીસે તાજેતરમાં પોલીસ અધિકારી રતન લાલની કોમી હિંસા દરમિયાન હત્યા મામલે ચાર્જશીટ ફાઈલ કરી હતી. જોકે કારવાં ઇન્ડિયાના અહેવાલ અનુસાર આ ચાર્જશીટમાં ડી.એસ. બિન્દ્રાના નામને પણ ખોટી રીતે સાંકળી લેવાયું છે. ઓપી ઈન્ડિયાના અહેવાલ અનુસાર જમણેરી પાંખની હિન્દુત્ત્વ વેબસાઈટે દાવો કર્યો હતો કે તેમની પાસે એવા દસ્તાવેજ છે જે આ ચાર્જશીટ સંબંધિત છે અને તેમાં ડી.એસ. બિન્દ્રાનું નામ પણ સામેલ છે. તેમના પર પોલીસ અધિકારીની હત્યાના કાવતરામાં સહયોગ કરવાનો આરોપ મૂકાયો છે. કારવાં ઈન્ડિયા સાથેની વાતચીતમાં બિન્દ્રાએ આવા તમામ પ્રકારના આરોપોને ફગાવી દીધા હતા અને તેમણે પુષ્ટિ પણ કરી હતી કે દિલ્હી પોલીસે તેમને તપાસ માટે બોલાવ્યા છે. તેમણે કહ્યું કે મને તો આ આરોપો વિશે કંઈ જ ખબર નથી. મને શાહીનબાગના દેખાવો મામલે હાજર થવા માટે કહેવાયું છે. બિન્દ્રાની સાથે સાથે કાવતરાંખોરોમાં સલીમ ખાન, સલીમ મુન્ના, શાદાબનું પણ નામ સામેલ છે. ચાર્જશીટમાં કહેવાયું છે કે પોલીસ અધિકારી દેખાવ સ્થળે હંમેશા તૈનાત રહેતા હતા કે જેથી કાયદો વ્યવસ્થા જળવાઈ રહે. જોકે રતન લાલની હત્યા બાદ બે અધિકારીઓની પૂછપરછ હાથ ધરાઈ હતી. તેમણે ખુલાસો કર્યો કે સલીમ ખાન, સલીમ મુન્ના, ડી.એસ. બિન્દ્રા, સુલેમાન સિદ્દીકી, અય્યુબ, અતહર, શાદાબ, ઉપાસના, રવિશંદ અને અન્ય લોકો સામેલ હતા જેઓએ આ દેખાવોનું પણ આયોજન કર્યુ હતું. ઉલ્લેખનીય છે કે ડી.એસ. બિન્દ્રા શાહીનબાગના દેખાવકારો માટે લંગરનું આયોજન કરતા હતા અને તેના માટે તેમણે પોતાનો ફ્લેટ પણ વેચી કાઢ્યો હતો.