અમદાવાદ, તા.૧૯
અમદાવાદમાં એક જ પરિવારના ૬ લોકોના સામૂહિક આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. જો કે, મૃત્યુનું કારણ આર્થિક સકડામણ હતું કે કેમ તે તપાસનો વિષય છે. જો કે, કોરોનાની મહામારીને લીધે લોકડાઉન થતા ઘણા લોકો આર્થિક ભીંસમાં મૂકાઈ ગયા છે. ત્યારે આપઘાત કરનાર પરિવારે આર્થિક ભીંસમાં અંતિમ પગલુ ભર્યું છે ? તે સવાલ ઉઠવા પામ્યો છે. અમદાવાદ શહેરમાં આજે હચમચાવી દેતો બનાવ બનવા પામ્યો છે. જેમાં એક બંધ મકાનમાંથી એક જ પરિવારના છ લોકોનાં મૃતદેહ મળી આવ્યા છે. મૃતકોમાં બે પુરૂષ અને ચાર બાળકો સામેલ છે. બાળકોની ઉંમર સાત વર્ષથી ૧૨ વર્ષ છે. જ્યારે અન્ય મૃતકોની ઉંમર ૪૨ અને ૪૦ વર્ષ છે. પોલીસે આ મામલે એફએસએલ (FSL)ની ટીમની મદદ માંગી છે. પ્રાથમિક તપાસ માટે બે સગાભાઈઓ પોતાના ઘરેથી બાળકોનો લૉંગ ડ્રાઇવ પર લઇ જવાનું કહીને નીકળ્યા હતા. જે બાદમાં તમામના મૃતદેહ એક બંધ મકાનમાંથી મળી આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે વટવા અને હાથીજણ વિસ્તારમાં રહેતા બે ભાઈઓ ગૌરાંગ પટેલ અને અમરીશ પટેલ બંને ૧૭મી જૂનના બપોરના સમયે તેમના બાળકોને લોંગ ડ્રાઈવ પર લઈ જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા. જો કે, મોડી રાત સુધી ઘરે પરત ન આવતા બંનેનાં પત્નીએ આસપાસમાં શોધખોળ શરૂ કરી હતી. બંને ભાઈઓની કોઈ ભાળ ન મળતાં અંતે બીજે દિવસે રાત્રે તેઓ તેમના જૂના મકાન કે જે છ મહિના પહેલા ખાલી કર્યું હતું ત્યાં તપાસ કરવા માટે ગયા હતા. અહીં તેમની કાર મળી આવતા જ બંને ભાઈઓ બાળકો સાથે અહીં આવ્યા હોવાની આશંકા પ્રબળ બની હતી. ઘરમાં તપાસ કરતા ઘરનો દરવાજો અંદરથી બંધ હોવાથી તરત જ તેમના પત્નીઓ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરીને ઘરનો દરવાજો તોડતા બે ભાઈઓ અને ચાર બાળકોનાં મૃતદેહ મળી આવ્યા છે. બંને ભાઈઓ કાપડનાં વ્યવસાય સાથે સંકાયેલા છે. બંને કાપડનું ચેકિંગ કામ કરતા હતા. બંને ભાઈઓએ પોતાના બાળકો સાથે કયા કારણોસર આ પગલું ભર્યું છે તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. જે મકાનમાં આ બનાવ બન્યો છે તે મકાનમાં ગૌરાંગભાઈ રહેતા હતા. જોકે, આ મકાન છ મહિના પહેલા ખાલી કરી ને વટવા ભાડે રહેવા માટે ગયા હતા. આ મકાન પર બેંક દ્વારા બે નોટિસ પણ લગાવવામાં આવી છે. ત્યારે લોકડાઉનને લીધે આર્થિક સંકડામણને લીધે બંને ભાઈઓએ આ અંતિમ પગલુ ભર્યું છે કે કેમ ? તે સવાલ પણ ઉઠવા પામ્યો છે. જો કે, સમગ્ર મામલે પોલીસ તથાસ બાદ જ હકીકત સામે આવશે.
મૃતકોના નામ
૧. અમરીશ રમેશચંદ્ર પટેલ, ઉંમર વર્ષ ૪૨
૨. ગૌરાંગ રમેશચંદ્ર પટેલ, ઉંમર વર્ષ ૪૦
૩. મયુર અમરીશભાઈ પટેલ, ઉંમર વર્ષ ૧૨
૪. ધ્રુવ ગૌરાંગભાઈ પટેલ, ઉંમર વર્ષ ૧૨
૫. કીર્તિ અમરીશભાઈ પટેલ, ઉંમર વર્ષ ૯
૬. શાનવી ગૌરાંગભાઈ પટેલ, ઉંમર વર્ષ ૭.