ભરૂચ, તા.૨૨
ચાંચવેલ ગામના ત્રણ યુવાનો આમોદ તાલુકાના દેનવા ગામના દરિયા કિનારે પાણીમાં નહાવા પડતા ત્રણમાંથી એકનો આબાદ બચાવ થવા પામ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આમોદ તાલુકાના દેનવા ગામે ગામથી થોડો દૂર દરિયો આવેલો છે હાલ લોકડાઉનનો પરિસ્થિતિમાં લોકોની અવર-જવર બંધ હોવાના કારણે દરિયા કિનારે ટહેલવા સાંજ સમયે લોકોની ભીડ ઉમટી પડે છે આ દરિયા કિનારે આજ રોજ ચાંચવેલ ગામના ત્રણ યુવાનો નામે પટેલ મુસ્તકિમ મહેબૂબ યાકુબ, સૈયદ અફઝલ હુસેન તેમજ ખલીફા અફઝલ ઇસ્માઇલ જેઓ દરિયામાં નહાવા પડ્યા હતા.
જે પૈકી ત્રણેય ઈસમો પાણીમાં ડૂબતા લોકોની નજર પડતા ચાંચવેલ ગામના ઇમરાન સુલેમાન ઢોંધાએ તેમને બચાવવા માટે દરિયાના પાણીમાં છલાંગ લગાવી હતી જેમાં ખલીફા અફઝલને બચાવી લીધો હતો અને બે યુવાનો જે પટેલ મુસ્તકિમ અને અફઝલ સૈયદ ડૂબી ગયા હતા.
સમગ્ર ઘટનાની જાણ આમોદ પોલીસને થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે તાત્કાલીક દોડી ગયો હતો તેમજ ફાયર ફાઈટરના જવાનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ડૂબેલ બંને યુવાનોની શોધખોળ હાથ ધરી હતી.