Site icon Gujarat Today

દ્વારકા જિલ્લાના ચાર તાલુકામાં બેથી સાત ઈંચ જેટલો વરસાદ ખાબક્યો

જામનગર, તા.૨૨
હાલાર પર મેઘો મહેરબાન થયો હતો અને બન્ને જિલ્લામાં બેથી સાત ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જામનગર શહેરમાં અડધો ઈંચ વરસાદ થયો છે.
સૂર્ય ગ્રહણના દિવસે હાલારમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થવા પામી હતી. મોસમના પ્રથમ સારા વરસાદથી કલ્યાણપુર તાલુકો પાણી પાણી થઈ ગયો હતો, તો ચેકડેમમાં નદી-નાળા, તળાવો છલકાઈ ગયા હતાં અને ડેમમાં પણ નવા નીરની આવક થવા પામી હતી, જો કે સમગ્ર દ્વારકા જિલ્લાના ચાર તાલુકામાં બેથી સાત ઈંચ જેટલો વરસાદ થતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા હતાં. તેવી જ રીતે જામનગર જિલ્લામાં પણ લાલપુર, જામજોધપુર પંથકમાં બે ઈંચથી વધુ વરસાદ થયો હતો. જામનગર શહેરમાં પણ ધીમી ધારે અડધો ઈંચ પાણી વરસ્યું હતું.
કલ્યાણપુર પંથકમાં સાત ઈંચથી વધુ વરસાદ વરસી જતાં સમગ્ર તાલુકો પાણી-પાણી થઈ ગયો હતો. લગભગ સાત ઈંચ વરસાદથી ચેકડેમો, નદી નાળા, તળાવ છલકાઈ ગયા હતાં અને ડેમમાં પણ નવા નીરની આવક થવા પામી હતી.
લાલપુરમાં કુલ મળી આજ સવાર સુધીમાં ૪૭ મી.મી. અને તેવી જ રીતે જામજોધપુરમાં ૩૩ મળી આજ સવાર સુધીમાં પ૭ મી.મી. વરસાદ થયો છે.

Exit mobile version