(એજન્સી) નીમચ, તા.રર
મધ્ય પ્રદેશની આંચલ ગંગવાલે એરફોર્સમાં ફલાઈંગ ઓફિસર બનીને રાજ્યનું માન વધાર્યું છે. આંચલના પિતા નીમચ બસ સ્ટેન્ડની પાસે આજે પણ ચા વેચે છે. દીકરીની સફળતાથી આંચલના પિતા ઘણા ખુશ છે. ર૦ જૂને હૈદરાબાદના ડંડીગલ વાયુ સેના એકેડમીમાં કંબાઈંડ ગ્રેજયુએશન પરેડ આયોજીત કરી હતી. આ પાસિંગ આઉટ પરેડને ટીવી પર એમપીના નીમચમાં બેસેલા સુરેશ ગંગવાલ અને તેમનો પરિવાર જોઈ રહ્યો હતો.
તેમની દીકરી આંચલ ગંગવાલ આ પરેડમાં માર્ચ પોસ્ટ કરી રહી હતી. માર્ચ પોસ્ટ પછી આંચલ ગંગવાલને રાષ્ટ્રપતિ પટ્ટીકાથી સન્માનિત કરવામાં આવ્યા. દીકરીની ઉપલબ્ધિથી પિતાનું માથું ગર્વથી ઊંચું થઈ ગયું છે.
આયોજનમાં આંચલના માતા-પિતા સામેલ થઈ શક્યા નહીં
ભારતીય વાયુ સેનાના ચીફ બીકેએસ ભદૌરિયાની હાજરીમાં શનિવારે આંચલ ગંગવાલને એક ફલાઈંગ ઓફિસર તરીકે કમિશન મળ્યું. આ અવસર પર ભદૌરિયાએ યુવાન અધિકારીઓને જણાવ્યું કે, યોગ્યતા મેળવવા માટે સખ્ત મહેનત કરવી જોઈએ. આ સમારોહ માટે ફલાઈંગ ઓફિસર આંચલ ગંગવાલના માતા-પિતાને પણ જવાનું હતું. પરંતુ કોરોનાના કારણે જઈ શક્યા નહીં. સુરેશ ગંગવાલે ચા વેચીને જ પોતાના ૩ બાળકોને ભણાવ્યા છે. સુરેશનો પુત્ર એન્જિનિયર છે.