Site icon Gujarat Today

૫ાટણ : વિકાસના કામોના ઠરાવો રદ કરવાની માંગ સાથે મહિલા કોર્પોરેટરના પતિનો આત્મવિલોપનનો પ્રયાસ

પાટણ, તા.ર૪
પાટણ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરે લાખો રૂપિયાના વિકાસ કામોમાં ભ્રષ્ટાચાર કર્યો હોઈ તે કામોના ઠરાવો રદ કરવાની માગણી સાથે આજે પાટણ જિલ્લા કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં મહિલા કોર્પોરેટરના પતિએ શરીર પર કેરોસીન છાંટી આત્મવિલોપનની પ્રયાસ કર્યો હતો. જો કે, દીવાસળી ચાંપે તે પહેલાં જ કચેરીમાં હાજર લોકોની નજરે આ દૃશ્ય પડતાં તેને પકડી લઈ આત્મવિલોપનનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. જો કે, આ બનાવને લઈ પાટણ જિલ્લા કલેક્ટર કચેરીમાં સમય સૂચકતાને કારણે બીજી ઘાત ટળી હતી. પાટણ નગરપાલિકાના વોર્ડ નં.૧૧ના મહિલા કોર્પોરેટર હંસાબેન ભોગીલાલ પરમારે નગરપાલિકામાં પ્રમુખ અને ચીફ ઓફિસર દ્વારા રોડ રસ્તાના વિકાસના કામોમાં ૬પ લાખ રૂપિયાની ગ્રાન્ટનો ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપોની અરજી જિલ્લા પ્રશાસને આપી હતી. જે અરજી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રિજિયોજનલ કમિશનરની ઓફિસ ખાતે મોકલી આપવામાં આવી હતી. એક અઠવાડિયાનો સમયગાળો વીત્યો હોવા છતાં આ ભ્રષ્ટાચારના કામ અંગે કે તેના ઠરાવને કેન્સલ કરવા માટે કોઈ જ કાર્યવાહી ન થતાં મહિલા કોર્પોરેટરના પતિએ કલેક્ટર કચેરી ખાતે આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આ બાબતને લઈ કલેક્ટરે પોલીસને પણ જાણ કરી હતી. જો કે, છેલ્લા એક અઠવાડિયાથી આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા અરજદારનો કોઈ જ સંપર્ક થઈ શક્યો નહોતો. ત્યારે આજે અરજદાર ભોગીલાલ પરમારે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી કેરોસીનની બોટલ પોતાના શરીર પર છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો જેને લઈ કલેક્ટર કચેરી કેમ્પસ ખાતે ભારે અરાજકતા સર્જાઈ હતી તો કેમ્પસ ખાતે હાજર રહેલા કેટલાક વ્યક્તિઓએ આત્મવિલોપનના આ પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. પાટણ પોલીસ દ્વારા આત્મવિલોપનનો પ્રયાસ કરનાર મહિલા કોર્પોરેટરના પતિની અટકાયત કરી પાટણ બી-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાયા હતા.

Exit mobile version