(એજન્સી) તા.૨૪
દિલ્હીમાં કોરોના વાયરસનો ચેપ ખૂબ જ ઝડપે ફેલાઈ રહ્યો છે અને પરિસ્થિતિ વધુ વિકટ બની રહી છે. સતત વધતા જતાં કેસોને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય રાજધાનીમાં ચેપ અટકાવવા માટે એક નવી યોજના તૈયાર કરવામાં આવી છે.
આ નવી યોજના અંતર્ગત ૬ જૂલાઈ સુધી દિલ્હીના દરેક ઘરની તપાસ કરવામાં આવશે. કોરોના વાયરસ દર્દીઓની સંખ્યાના સંદર્ભમાં દિલ્હી હાલમાં દેશમાં બીજા ક્રમે છે. એક દિવસમાં જ મંગળવારે દિલ્હીમાં કોરોના વાયરસના ૩૯૪૭ નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. રાષ્ટ્રીય રાજધાનીમાં ૨૪ કલાકની અંદર પ્રાપ્ત થનારી આ સૌથી મોટી સંખ્યા છે.
આપને જણાવી દઈએ કે ગત સપ્તાહે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને સી.એમ.અરવિંદ કેજરીવાલ વચ્ચે અનેક રાઉન્ડ બેઠક યોજાઈ હતી. આ બેઠકો પછી, કોરોના વાયરસ પર પ્રકાશિત નવી યોજના અંતર્ગત સી.એમ. કેજરીવાલે કહ્યું કે, દરેક કન્ટેન્ટ ઝોનમાં દરેક ઘર ૩૦ જૂન સુધીમાં તપાસવામાં આવશે. દિલ્હીમાં હાલમાં ૬૬,૬૦૨ કોરોના વાયરસના કેસ સાથે ૨૬૧ કન્ટેન્ટ ઝોન છે અને દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી નવી ગાઈડલાઈન્સ અનુસાર તમામ કન્ટેનમેન્ટ ઝોનમાં રિવ્યૂ કરવામાં આવશે, તેની સાથે જ આગામી ૨૬ જૂન સુધી તમામ નવા કન્ટેનમેન્ટ ઝોન નક્કી કરી દેવામાં આવશે અને ૩૦ જૂન સુધીમાં તમામ મકાનોનું સ્ક્રીનિંગ કરવામાં આવશે. જો કે, બાકી દિલ્હીનું સ્ક્રીનિંગ આગામી ૬ જુલાઈ સુધી પૂર્ણ કરી લેવાશે. ઉલ્લેખનીય છે કે, આ પગલું ત્યારે ભરવામાં આવ્યું છે જ્યારે મંગળવારે દિલ્હી કોરોના વાયરસના કેસ મામલે તમિલનાડુથી પણ આગળ નીકળી જઈ બીજા ક્રમે પહોંચી ગયું હતું. દિલ્હીમાં એક દિવસમાં ત્યારે જ સૌથી વધુ ૩૯૪૭ કેસ નોંધાયા હતા અને ત્યાં મૃતકાંક પણ ૨૩૦૧ થઈ ચૂક્યો છે.