(એજન્સી) ભોપાલ, તા.રપ
દેશનું સૌથી શક્તિશાળી ૧૨ હજાર હોર્સ પાવરનું રેલવે એન્જિન બુધવારે ભોપાલના હબીબગંજ સ્ટેશન પહોંચી ગયું છે તેની ખાસિયત એ છે કે, એક એન્જિન ખરાબ થતાં તે ઓટોમેટિકલી બીજા એન્જિન પર ચાલવા લાગે છે તેનાથી માલગાડીને ક્યાંય રોકવાની જરૂર નથી પડતી.
આ ક્ષમતા વાળા એન્જિનને દેશમાં જ મેક ઈન ઈન્ડિયા પ્રોજેક્ટ અંતર્ગત તૈયાર કરવામાં આવ્યું છે. આ સાથે જ આ પ્રકારની ક્ષમતાવાળું એન્જિન બનાવવામાં ભારત દુનિયાના છઠ્ઠા ક્રમે આવી ગયું છે, આ એન્જિન સંપૂર્ણ એસી છે.
એન્જિન મેક ઈન ઈન્ડિયા પ્રોજેક્ટ અંતર્ગત બનાવવામાં આવ્યું છે
આ એન્જિનને ૬૦૦૨૭ નંબર આપવામાં આવ્યો છે. આ એન્જિન અત્યાધુનિક IGBT આધારિત, ૩-ફેઝ ડ્રાઈવ અને ૧૨ હજાર હોર્સ પાવરનું ઈલેક્ટ્રિક એન્જિન છે, તે ૧૨૦ કિ.મી. પ્રતિ કલાકની સ્પીડથી ચાલે છે. આ એન્જિન બનાવવાનું કામ ઓક્ટોબર ૨૦૧૭માં મધેપુરા ફેક્ટરીમાં શરૂ થયું હતું. આ પહેલાં ફ્રાન્સની ૫ એન્જિન ભારત લાવવામાં આવ્યા હતા. ત્યારપછી દરેકે એસેમ્બલ કરવામાં આવ્યા હતા, તેને બનાવવામાં અંદાજે રૂા.૧૯ કરોડનો ખર્ચ કરવામા આવ્યો છે. આ સંપૂર્ણ પ્રોજેક્ટ મેક ઈન ઈન્ડિયા અંતર્ગત બનાવવામાં આવ્યો છે. હવે બિહારના મધેપુરામાં દર વર્ષે ૧૨૦ એન્જિન બનાવવા માટે ફેક્ટરી બનાવવામાં આવી રહી છે.
ગેમ ચેન્જર સાબિત થશે
નવા એન્જિનથી ભારતીય રેલવેની માલવાહક ક્ષમતામાં વધારો થશે. ૨૨.૫ ટનના એક્સેલ લોડના ટિ્વન એન્જિનને ૧૨૦ કિ.મી. પ્રતિ કલાકની સ્પીડ સાથે ૨૫ ટન સુધી અપગ્રેડ કરવામાં આવી શકે છે. આ એન્જિન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર માટે કોલસા રેલગાડીના આવાગમન માટે એક ગેમ ચેન્જર સાબિત થશે, તેમાં લગાવાવમાં આવેલા સોફ્ટવેર અને એન્ટિના દ્વારા તેના જીપીએસ પર નજર રાખવામાં આવશે. નવા એન્જિનને ટ્રાયલ માટે સમગ્ર દેશના અલગ -અલગ રેલવે ડેપો પર મોકલવામાં આવશે. હવે હેવી ગુડ્સ ટ્રેનનું સંચાલન આ એન્જિનના કારણે સરળ બનાવી શકાશે.