(એજન્સી) તા.રપ
કોરોના વાઈરસની મહામારીના દોરમાં પશ્ચિમ બંગાળ સરકારના સ્વાસ્થ્ય વિભાગે સરકારી તથા ખાનગી હોસ્પિટલો એમ બંનેને ચેતવણી આપી હતી કે જો કોઈપણ દર્દીને સારવાર આપવા કે દાખલ કરવાનો ઈનકાર કરવા સંબંધિત સમાચાર મળ્યાં તો લાઈસન્સ જ રદ કરી દઈશું.
ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં પણ કોરોના મહામારીને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યો છે અને આ દરમિયાન રાજ્યમાં આશરે ૫૦૦થી વધુ લોકો મૃત્યુ પામી ચૂક્યા છે. સતત એવા સમાચાર મળી રહ્યા હતા કે સરકારી તથા ખાનગી હોસ્પિટલો દ્વારા દર્દીઓને દાખલ કરવાનો ઈનકાર કરવામાં આવી રહ્યો છે.
જોકે આવા અહેવાલોને પગલે જ મમતા બેનરજીની સરકારે સરકારી તથા ખાનગી હોસ્પિટલે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી દીધી હતી. એક આદેશમાં સ્વાસ્થ્ય ભવને કહ્યું કે સ્વાસ્થ્ય વિભાગે નિર્દેશ આપ્યો છે કે જો કોઈપણ ખાનગી હોસ્પિટલ દ્વારા કોઈ કોરોના દર્દી કે અન્ય રોગના દર્દીને સારવાર આપવાનો ઈનકાર કરવામાં આવશે તો તેનું લાઈસન્સ રદ કરવામાં આવશે.
જો તેમની સામે લાગેલા આરોપો સાચા સાબિત ઠરશે તો ખાનગી હોસ્પિટલ સામે ક્રિમિનલ કેસ પણ નોંધવામાં આવશે. સાથે જ સરકારી હોસ્પિટલોમાં સંબંધિત હેડ અને ડૉક્ટરોને ચેતવણી ઉચ્ચારવામાં આવી છે કે જો કોઈપણ એવા અહેવાલ મળશે કે દર્દીને સારવાર આપવાનો ઈનકાર કરાયો છે તો નોકરી તો જશે જ સાથે જરૂરી પગલાં અને કાર્યવાહી પણ કરવામાં આવશે.