(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૫
રાજસ્થાનના ડેપ્યુટી મુખ્યમંત્રી અને પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ સચિન પાયલટે ગુરૂવારે જણાવ્યું હતું કે, પાર્ટીના અધ્યક્ષ તરીકેનો હોદ્દો રાહુલ ગાંધીએ ફરીવાર સંભાળી લેવો જોઇએ. પાર્ટી ઓફિસ બહાર પાયલટે પત્રકારોને જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીએ ફરીવાર પાર્ટીનું સુકાન સંભાળવું જોઇએ તેવી અમારી માગણી છે. તેમની માગણી એવા સમયે આવી છે જ્યારે રાહુલ ગાંધી સતત મોદી સરકાર પર ચીન સાથે સરહદ વિવાદ અને ઇંધણોના ભાવવધારા મુદ્દે આકરા પ્રહાર કરી રહ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ રાહુલ ગાંધી સામે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, આ એકતા અને એકજૂટતાનો સમય છે. પાયલટે પૂર્વ લદ્દાખમાં ભારત-ચીન વચ્ચે તંગદિલી અને ભારતમાં વધી રહેલા ઇંધણોના ભાવ અંગે કેન્દ્રને નિશાના પર લીધું હતું. નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, સરહદની સ્થિતિ અંગે હજુ પણ મુંજવણ યથાવત છે. પાયલટે કહ્યું કે, પેટ્રોલ અને ડીઝલની કિંમતો દરરોજ વધી રહી છે અને લોકો પર દબાણ પણ વધી રહ્યું છે. અમે કેન્દ્રને આ ભાવવધારો પાછો ખેંચવાની માગણી કરીએ છીએ. ભાવવધારા સામે આગામી ૨૯ની જૂનથી પાર્ટી તેના તમામ મુખ્યમથકો પર આંદોલન કરશે.