અમદાવાદ, તા.રપ
ગુજરાતમાં જ્યારથી ભાજપ સરકાર આવી છે ત્યારથી જાહેર આરોગ્ય સેવા પાછળ ખર્ચમાં સતત ઘટાડો કરતી આવી છે. વર્ષ ર૦ર૦ પહેલાં આરોગ્ય સેવા પાછળ ૪.૩ ટકા જેટલો ખર્ચ કરવામાં આવતો હતો. પરંતુ હાલ માત્ર ૧ ટકા કરતા પણ ઓછો ૦.૭ર ટકા જ ખર્ચ કરવામાં આવે છે. ઉપરાંત છેલ્લા ર૦ વર્ષથી રસીકરણ કાર્યક્રમમાં કવરેજ અને ઘટાડો જોવા મળી રહ્યો છે. ભાજપ સરકારના શાસનમાં ઉદ્યોગપતિ-ઉદ્યોગગૃહોનું આરોગ્ય સુધર્યુ છે પણ ગુજરાતના સામાન્ય-મધ્યમવર્ગ પરિવારોનું આરોગ્ય કથળ્યું છે. ભાજપ સરકારના દિશાવિહીન, ભ્રષ્ટ આરોગ્ય વિભાગની નીતિરીતિના કારણે તેની કિંમત ગુજરાતની જનતાને ચૂકવવી પડી રહી હોવાનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ.મનિષ દોશીએ જણાવ્યું છે કે, કોરોના મહામારીમાં વૈશ્વિક મૃત્યુદર ૫.૮ ટકા છે, જ્યારે ગુજરાતમાં મૃત્યુદર ૬.૨ ટકા આપણા સૌના માટે ચિંતાનો વિષય છે. કોરોના વાયરસની વૈશ્વિક મહામારીનું સંક્રમણ સતત વધી રહેલ છે. તબીબી-જાહેર આરોગ્ય અને કુટુંબ કલ્યાણ પરના ખર્ચમાં ગુજરાત ૧૪ ક્રમાંકે છે. રાજ્યની સરકારી હોસ્પિટલમાં ૪૬૪૪, સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં ૩૯૧૬ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ૩૪૯૫ જગ્યાઓ જેવી કે, ડૉક્ટર, નર્સિંગ, પેરામેડિકલ કર્મચારીઓની જગ્યાઓ વર્ષોથી ખાલી છે. આઉટ સોર્સિંગ અને કોન્ટ્રાક્ટના નામે કર્મચારીઓને અડધો પગાર ચૂકવીને આર્થિક શોષણ કરાઈ રહ્યું છે બીજી બાજુ એજન્સીઓ મોટાપાયે ભ્રષ્ટાચાર કરી રહી છે. ગુજરાતમાં કોરોના ટેસ્ટ રોજના ૫૧૦૦ એટલે કે દેશના કુલ ટેસ્ટના પ્રમાણમાં માત્ર ૨.૬ ટકા ટેસ્ટ સેમ્પલ જ લેવામાં આવે છે, વસ્તીની સરખામણીએ દેશની વસ્તીમાં ગુજરાત ૫.૨ ટકા જનસંખ્યા ધરાવે છે. દિલ્હીની વસ્તી ૨ કરોડ એટલે કે ગુજરાત કરતાં ત્રીજા ભાગની છતાં રોજના ૧૮,૦૦૦ ટેસ્ટ થાય છે. સમગ્ર રાજ્યમાં કોરોના ટેસ્ટિંગ ચાર્જ રૂા.૨૫૦૦/- કરાયો છે તેનો અડધો ખર્ચ રાજ્ય સરકાર ભોગવે. ઉપરાંત ૪૮થી ૭૨ કલાકમાં રિપોર્ટ મળી રહ્યા છે તેને બદલે ૨૪ કલાકમાં રિપોર્ટ મળે તેવી વ્યવસ્થા જરૂરી છે. કોરોના વાયરસના દર્દીઓને અપૂરતી સારવાર અને ટેસ્ટિંગ સુવિધાના અભાવે વધુમાં વધુ દર્દીઓ મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે.