(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.રપ
દરેક ક્ષેત્રે નંબર-વનનો આગ્રહ રાખનાર ગુજરાતની ભાજપ સરકાર કોરોના સામેની લડતમાં અન્ય રાજયોની સરખામણીએ પ્રજાનો ખ્યાલ રાખવામાં બહુ પાછળ રહેલ છે. લોકડાઉનમાં આર્થિક નુકસાનનો ભારે સામનો કરનાર રાજયની પ્રજાને વધુ રાહત આપવાને બદલે પેટ્રોલ-ડીઝલ સહિતના ભાવ વધારાનો ભાર આપનાર ગુજરાત સરકાર છેલ્લા ઘણા સમયથી કોરોના ટેસ્ટનો દર ઘટાડાવાની માગણી છતાં બહુ લાંબા સમય પછી હવે ભાવ ઘટાડવા તૈયાર થઈ છે. દેશના એક ડઝન જેટલા રાજયોએ પહેલ કરી કોરોના ટેસ્ટના દર રૂા.ર૦૦૦થી ૩૦૦૦ સુધીના કરી દીધા છે ત્યારે હવે રહી રહીને મોડેથી ગુજરાત સરકારે રાજયમાં ખાનગી લેબોરેટરી માટે ટેસ્ટના દર રૂા.રપ૦૦ રાખવાની આજે જાહેરાત કરી છે. રાજયમાં કોરોના ટેસ્ટનો દર રૂા.૪પ૦૦ વસૂલવામાં આવે છે અને તેમાં પણ કેટલીક ખાનગી લેબ. તો મનફાવે તેમ તેનાથી પણ વધુ ચાર્જ લેતી હોવાની અગાઉ ફરિયાદો ઉઠી હતી. જેમાં સરકાર દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવતા પાછળથી રૂા.૪પ૦૦નો ટેસ્ટ દર દરેકે લેવાનું શરૂ કર્યું હતું જો કે આ દર પણ ઘણો વધુ હોઈ તે અંગે ઘણા સમયથી માંગણીઓ થઈ રહી હતી. દેશના અન્ય ડઝન જેટલા રાજયોએ કોરોના ટેસ્ટના દરમાં સારો એવા ઘટાડો અમલી બનાવી દીધો હોવા છતાં ગુજરાતમાં નિર્ણય લેવાયો ન હતો. આ અંગે ના.મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે રાજયમાં હાલમાં રોજેરોજ અંદાજે ૪૦૦૦થી ૪પ૦૦ જેટલા ટેસ્ટીંગ કરાઈ રહ્યા છે. હાલ ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટીંગના ચાર્જ જે રૂા.૪પ૦૦ લેવાય છે. તે હવેથી રૂા.રપ૦૦ લેવાના રહેશે. તેમજ ટેસ્ટીંગ માટે દર્દીઓ લેબોરેટરીના માણસોને ઘરે કે હોસ્પિટલમાં બોલાવે ત્યારે તેનો ચાર્જ રૂા.૩૦૦૦ ખાનગી લેબ દ્વારા લેવાનો રહેશે. આમ રાજય સરકારે કોરોનાના ટેસ્ટીંગ માટે ખાનગી લેબોરેટરીમાં જે ચાર્જ લેવાતો હતો. તેમાં રૂા.ર૦૦૦થી રૂા.૧૦૦૦નો ઘટાડો કર્યો છે. હવેથી ખાનગી લેબોરેટરીઓએ આ મુજબનો ચાર્જ વસુલવાનો રહેશે. જો વધુ ભાવ લેવા સંદર્ભે રજૂઆતો કે ફરિયાદો મળશે તો ખાનગી લેબોરેટરીની માન્યતા રદ કરવાનો પણ રાજય સરકારે નિર્ણય કર્યો છે. તેમણે ઉમેર્યું કે, અમદાવાદમાં જે રીતે ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે તેના પરિણામે છેલ્લા અઠવાડિયામાં કેસોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે એ વ્યવસ્થાને સંતોષકારક રીતે આગળ વધારવામાં આવશે. અમદાવાદ શહેરના ગીચ વિસ્તારોમાં ધન્વંતરી રથ દ્વારા મહોલ્લે મહોલ્લે સર્વેલન્સ અને આરોગ્યલક્ષી સારવાર પૂરી પાડવામાં આવી રહી છે જેના પરિણામે ગીચ વિસ્તારોમાં કેસોનું પ્રમાણ ઘટી રહ્યું છે હવે જયારે સુરતમાં પણ કેસોની સંખ્યા જે રીતે વધી રહી છે એ સંદર્ભે પણ સુરત ખાતે અમદાવાદ મોડલ આધારીત સર્વેલન્સ સહિત આરોગ્યલક્ષી સારવાર ધન્વંતરી રથ દ્વારા પૂરી પાડવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે, એ માટે આરોગ્ય સચિવ ડો. જયંતી રવિએ મુલાકાત લઈને સંપૂર્ણ માર્ગદર્શન પુરૂ પાડયું છે.
દેશના અન્ય રાજ્યોમાં કોરોના ટેસ્ટ
રાજ્ય ટેસ્ટના દર (રૂા.)
ચંદીગઢ ર૦૦૦
રાજસ્થાન રર૦૦
મહારાષ્ટ્ર રર૦૦
તેલંગાણા રર૦૦
કર્ણાટક રરપ૦
દિલ્હી ર૪૦૦
રાજ્ય ટેસ્ટના દર (રૂા.)
પ.બંગાળ ર૪૦૦
ઉ.પ્રદેશ રપ૦૦
આંધ્રપ્રદેશ ર૯૦૦
તમિલનાડુ ૩૦૦૦
મધ્યપ્રદેશ ૪પ૦૦
ગુજરાત ૪પ૦૦