(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.ર૬
ગુજરાતમાં કોરોનાના કેસો વધવા સાથે સતત મોતના બનાવો પણ વધી રહ્યા હોઈ કેન્દ્ર સરકારની આરોગ્ય વિભાગની ટીમ ગુજરાતની મુલાકાતે આવી છે. કેન્દ્રીય ટીમે આજે અમદાવાદમાં કન્ટેન્ટમેન્ટ ઝોન, ધનવંતરી રથ, અન્ય હોસ્પિટલ સહિત વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી અને અમદાવાદ મ્યુનિ.ના અધિકારીઓ તથા રાજ્યના હેલ્થ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી વિગતો પણ મેળવી હતી, જેમાં અમદાવાદ મ્યુનિ.ના અધિકારીઓની કામગીરીને લઈ તેમનો ઉધડો પણ લીધો હોવાની વિગતો સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ રહી છે. જો કે, મોડે સુધી આ ટીમે જ્યાં સૌથી વધુ મોત થયા છે તે સિવિલ હોસ્પિટલની મુલાકાત ન લેતાં આશ્ચર્ય થયું છે. કોરોનાની સ્થિતિનો તાગ મેળવવા કેન્દ્રના સંયુક્ત સચિવ લવ અગ્રવાલની આગેવાનીમાં એક કેન્દ્રીય આરોગ્ય ટીમ અમદાવાદની મુલાકાતે આવી છે. અમદાવાદમાં કન્ટેઇનમેન્ટ ઝોન, ધનવંતરી રથ ઉપરાંત આ ટીમે અમદાવાદની મુલાકાતે આવેલી કેન્દ્રની આરોગ્ય ટીમે HCG હોસ્પિટલની મુલાકાત લીધી હતી, જોકે હજી સુધી આ ટીમે રાજ્યમાં જ્યાં સૌથી વધુ મોત નોંધાયા છે એ સિવિલ હોસ્પિટલ કે SVP હોસ્પિટલની હજી સુધી મુલાકાત લીધી નથી. જેને લઇને અનેક તર્ક-વિતર્ક ઉભા થયા છે. કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમે અમદાવાદ કોર્પોરેશનના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. બેઠક દરમિયાન કેન્દ્રીય ટીમ કોર્પોરેશનના જવાબથી અસંતુષ્ઠ હોવાની વાત જાણવા મળી છે. ત્રણ અધિકારીઓ અલગ-અલગ જવાબ આપતા સંયુક્ત સચિવ લવ અગ્રવાલ નારાજ થયા છે. યોગ્ય જવાબ ન મળતા કોર્પોરેશનના આરોગ્ય અધિકારીની ઝાટકણી કાઢી છે. કેન્દ્રની ટીમે આજે ધનવંતરી રથ, કન્ટેઇનમેન્ટ ઝોન અને ૧૦૮ની કઠવાડા ખાતે આવેલી ઓફિસની મુલાકાત લીધી હતી. કેન્દ્રની ટીમે કન્ટેઇનમેન્ટ ઝોન એવા માનસી સર્કલ પાસે આવેલા સેટેલાઈટ ટાવરની પણ મુલાકાત લીધી હતી. કોર્પોરેશનના અધિકારીઓને સવાલો પૂછ્યા હતા. કન્ટેઇનમેન્ટ ઝોન અંગે અલગ-અલગ જવાબ આપવામાં આવતા લવ અગ્રવાલ ભડક્યા હતા અને કહ્યું હતું કે એક વ્યક્તિ સરખો જવાબ આપો મારો સમય ન બગાડો. તેમણે ધનવંતરી રથમાં ટેસ્ટ અંગે પણ પૂછ્યું હતું. લવ અગ્રવાલે સવાલે કર્યો હતો કે, શુ રથ કન્ટેન્ટમેન્ટ ઝોનમાં ઉભો છે? રથમાં કોરોનાનાં ટેસ્ટ થાય છે? દેશમાં અનલોક-૧ લાગૂ કરવામાં આવ્યા બાદ કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. તેમાં પણ મહારાષ્ટ્ર, તેલંગણા, દિલ્હી અને ગુજરાતમાં કોરોનાની સ્થિતિ વધારે વકરી છે. જેને લઇને કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમ સૌથી વધુ કોરોનાગ્રસ્ત રાજ્યોની મુલાકતે જઇ રહી છે. જેના ભાગરૂપે આ ટીમ આજે અમદાવાદ આવી પહોંચી છે. આ કેન્દ્રની આરોગ્ય ટીમે ગોતાના વસંતનગરની મુલાકાત લીધી હતી. વસંતનગરમાં કોરોનાની સ્થિતિ અને ધનવંતરી રથની સમીક્ષા કરી હતી. સેટેલાઈટ સેન્ટરને માઇક્રો કન્ટેનમેન ઝોન જાહેર કરવામાં આવ્યો છે ‘આ ફ્લેટમાં મે મહિનાથી કેસ આવતા હતા તો ૧૯મી જૂને છેકે કન્ટેઇનમેન્ટ ઝોન કેમ જાહેર કર્યો ?’ ૨૮ મે એ કેસ આવ્યો તો આટલા મોડા કેમ પડ્યા ? આ ઝોનને કોણ મેનેજ કરે છે ? પહેલા તમે કેમ કન્ટેઈનમેન્ટ ઝોન તરીકે ડિકલેર ના કર્યો, તેવા સવાલોનો તેમણે ચલાવ્યો હતો.
કેન્દ્ર ટીમ આગળ સારી છાપ પાડવા માટે કોર્પોરેશન ટીમ દ્વારા સ્ટીકર મારવામાં આવ્યા છે. દરમિયાન પીઆઈ કક્ષાના અધિકારીઓ સાથે અગ્રવાલ મુલાકાત કરી રહ્યા છે. રાજ્યની કોરોનાની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ આ ટીમ મહારાષ્ટ્રની મુલાકાતે જવાની છે.