(એજન્સી) સાતારા , તા.૨૭
ચીનની સાથે મડાગાંઠને લઈ કોગ્રેસ અને ભાજપ વચ્ચે આરોપ-પ્રત્યાઆરોપની વચ્ચે નેશનાલિસ્ટ કોંગ્રેસ(રાંકપા) પાર્ટીના પ્રમુખ શરદ પવારે કહ્યું હતું કે, રાષ્ટ્રીય સુરક્ષાને રાજકીય સ્વરૂપ આપવું ન જોઈએ અને આપણે એ યાદ રાખવું જોઈએ કે ૧૯૬૨ના યુદ્ધ પછી ચીને આપણી ૪૫ હજાર વર્ગ કિલોમીટર જમીન પર કબજો કરી લીધો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી મોદી સરકાર પર લદ્દાખ મુદ્દે થઈ રહેલા પ્રહારોના સંદર્ભે પવારે આ નિવેદન આપ્યું હતું. રાહુલના નિવેદનો અંગે પવારનું આ સ્ટેટમેન્ટ સૂચક માનવામાં આવી રહ્યું છે. લદ્દાખના ગલવાન ખીણની ઘટનાને લઇ રક્ષામંત્રીની નિષ્ફળતા બતાવવામાં ઉતાવળ ન કરવી જોઈએ, કારણ કે, અથડામણ દરમ્યાન સૈનિકોે એલર્ટ હતા. પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યુ કે, આ આખુ પ્રકરણ સંવેદનશીલ મુદ્દો છે, ગલવાન ખીણમાં ચીને ઉશ્કેરીજનક વ્યવહાર કર્યો. ચીની સૈનિકોએ અમારા રોડ પર કબજોે કરવાનો પ્રયાસ કર્યો અને જવાનો સાથે ધક્કામૂક્કી કરી. આ કોઈની નિષ્ફળતા નથી, જો અથડામણ દરમ્યાન આપણા ક્ષેત્રમાં કોઈ આવે છે તો તે કોઈ પણ સમયે આવી શકે છે. આપણે એમ ન કહી શકાય રક્ષામંત્રીની નિષ્ફળતા છે.