જામનગર, તા. ર૭
સામાન્ય રીતે ડોક્ટર એ ઈશ્વરનું સ્વરૂપ છે, તેમ કહેવામાં આવે છે પરંતુ લોકોના મનમાં ખાનગી ડોક્ટરો અને સરકારી ડોક્ટર દરેકની અલગ છાપ જોવા મળે છે ત્યારે જામનગરમાં એક બાળ દર્દીની સારવાર માટે ખાનગી ડૉક્ટર અને જી.જી.સરકારી હોસ્પિટલના ડોક્ટરના સંયુક્ત ઉદ્યમ વિશેનો એક ઉત્તમ ઉદાહરણરૂપ કિસ્સો જાણમાં આવ્યો છે.
કોરોના મહામારીના લોકડાઉનના સમયમાં જામનગરના બાળકોના ડૉ.કમલેશ શાહ પાસે નવ મહિનાના બાળકને ઉધરસની તકલીફ સાથે લાવવામાં આવ્યું, બાળકને છેલ્લા ત્રણ-ચાર મહિનાથી ઉધરસની તકલીફ હતી. ઘણી વાર એવું થતું કે, ઉધરસમાં બાળક ઉલટી પણ કરી નાખતું. બાળક ઊંઘી શકતું ન હતું અને છેલ્લા બે મહિનાથી બાળકનું વજન પણ વધી રહ્યું ન હતું. માતા-પિતા દ્વારા બાળક રાઘવને જામનગરના અલગ-અલગ ડોક્ટરોને બતાવવામાં આવ્યો, પરંતુ થોડા દિવસ બાદ વળી એ જ તકલીફ ઉભી રહેતી. ત્યારે જામનગરના ડો.કમલેશ શાહ પાસે તેમના જુના એક દર્દીના રેફરન્સથી ચંદ્રા પરિવાર બાળકની તપાસ માટે પહોંચ્યા. ત્યાં બાળકના વિવિધ રિપોર્ટ કઢાવતા બાળકના માતા-પિતાને સમજાવી તરત જ જી.જી.હોસ્પિટલના ટીબી-ચેસ્ટ વિભાગના વડા ડો. ફિરોઝ ઘાંચીને વાત કરી અને બાળકને તપાસ અર્થે તેમની પાસે મોકલાયા.
ટીબી-ચેસ્ટ વિભાગના વડા ફિરોઝ ઘાંચીએ દર્દીની આખી ફાઇલ ચેક કરી, પ્રક્રિયા વિષે સમજાવ્યું.ડો.ઘાંચીના માર્ગદર્શન પ્રમાણે ચંદ્વા પરિવારે બીજા સ્પેશ્યલ રિપોર્ટ કરાવ્યા અને બાળકનું નિદાન કરાયું. બાળકને અલેર્જીક બ્રોંકો પલ્મોનરી એસ્પર્ગીલોસિસની તકલીફ હતી. ત્યારે પલ્મોનરી વિભાગ દ્વારા બાળકની સારવાર કરાતા ધીમે ધીમે બાળકને ઉધરસ હવે જાણે ગાયબ થઈ ગઈ છે.