અમદાવાદ,તા.ર૭
લોકડાઉનને કારણે એસ.ટી. બસો પણ બંધ રહેતા રાજ્ય સરકારની આવકમાં ભારે ફટકો પડયો હતો. હાલ બસો તો શૃ કરવામાં આવી છે પરંતુ સોશિયલ ડિસ્ટન્સને કારણે ઓછા મુસાફરો ભરાતા નિગમની આવક સાવ તળિયે જઈ બેઠી છે. આથી આવક વધારવા એસ.ટી. તંત્ર દ્વારા ૧ જુલાઈથી આંતરરાજય સિવાયની એકસપ્રેસ બસો શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જે અંતર્ગત જિલ્લાથી જિલ્લા અને તાલુકાથી તાલુકાને જોડતી પોઈન્ટ ટુ પોઈન્ટ લોકલ સર્વિસનું સંચાલન હાથ ધરાશે. ગ્રામ્ય વિસ્તારોનું સંચાલન હાલ પૂરતું હંગામી ધોરણે સ્થગિત રહેશે. તમામ એક્સપ્રેસ સર્વિસોનું ઓનલાઇન બુકિંગ થઈ શકશે.આ ઉપરાંત નિગમની આવક વધારવા કેટલાક નિર્ણયો લેવામાં આવ્યાં છે. જેમ કે રૂપિયા દસ કરતાં ઓછી પ્રતિ કિલોમીટર આવક ધરાવતી એક્સપ્રેસ કે લોકલ સર્વિસ રદ કરવામાં આવશે અથવા તેનું દૈનિક ધોરણે રેશનલાઈઝેશન કરવામાં આવશે. ૧૫ કરતાં ઓછા મુસાફરો ધરાવતી એક્સપ્રેસ કે લોકલ સર્વિસને રદ કરવામાં આવશે અથવા તેનું દૈનિક ધોરણે રેશનલાઈઝેશન કરવામાં આવશે. સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જરૂરી હોવાથી તમામ સર્વિસનું સંચાલન મુખ્ય રીતે મોટા વાહનોથી જ કરવામાં આવશે. જુદા જુદા વિભાગોએ આંતર સંકલન કરીને વ્યવસ્થા ગોઠવવાની રહેશે. મહત્તમ ટ્રાફિક મળે તેવા પિકઅપ અને ડ્રોપ પોઇન્ટથી મુસાફરોનો સમાવેશ થાય અને સાથે થર્મલ સ્ક્રિનિંગ થાય તેનું પણ ધ્યાન રાખવાનું રહેશે.જો એક જ ગ્રૂપમાં વધુ મુસાફરો દ્વારા વધુ રિઝર્વેશનની માગણી થાય તો બસોની ફાળવણી કરવાની રહેશે.ઉલ્લેખનીય છે કે, લોકડાઉન બાદ ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા એસટી બસોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. પરંતુ એક તરફ મુસાફરો ઓછા મળે છે અને બીજી તરફ સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમો પાળવાના હોવાથી ખર્ચો વધ્યો છે અને સામે આવક ઘટી છે ત્યારે નિગમ દ્વારા આવક વધારવા સતત પ્રયત્નો થઇ રહ્યાં છે.