(સંવાદદાતા દ્વારા)
ભૂજ,તા.ર૭
કચ્છ જિલ્લામાં પણ કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો છે. સામાન્ય પ્રજા તો ઠીક સીમા સુરક્ષા દળના જવાનો પણ સલામત નથી અને હવે તો આર્મીના જવાનોમાં પણ કોરોના ફેલાતા હાહાકાર મચી ગયો છે. ભૂજના આર્મી સંકુલમાં એક સાથે ૧૧ જવાનોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સમગ્ર આર્મી સંકુલને કવોરેન્ટાઈનમાં મુકી દેવાયું છે. કચ્છમાં કોરોના વાયરસે અગાઉ સીમા સુરક્ષા દળના જવાનોમાં પગપેસારો કરી ચિંતા જન્માવી હતી. પરંતુ હવે કોરોના આર્મી જવાનોમાં ફેલાતા હડકંપ મચી ગયો છે. ગત અઠવાડિયે ભૂજના આર્મી સંકુલમાં ૧ જવાનનો કોરોના વાયરસ પોઝિટિવ આવ્યા બાદ તે દર્દીના સંપર્કમાં આવેલા ૧૧ જવાનોને કવોરેન્ટાઈન કરાયા હતા. તે તમામ ૧૧ જવાનોના રિપોર્ટ કોરોના પોઝિટિવ નીકળતા ભૂજ આર્મી સંકુલમાં હડકંપ મચી ગયો છે અને આજરોજ આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા સમગ્ર આર્મી સંકુલને કવોરેન્ટાઈન નિયમો હેઠળ મૂકી દીધું છે. હવે કચ્છમાં કોરોનાનો અત્યાર સુધી પોઝિટિવ આંક ૧૪૩ થયો છે. તેમાંથી સ્વસ્થ ૯૮ થયા છે. ૭ દર્દી અત્યાર સુધી મૃત્યુ પામ્યા છે અને હાલમાં ૩૮ દર્દી સારવાર હેઠળ છે.