(એજન્સી) નવી દિલ્હી, તા.૨
તમિલનાડુમાં પોલીસના કથિત ત્રાસને કારણે પિતા-પુત્રના અવસાન થયાના એક અઠવાડિયા પછી રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે (એનએચઆરસી) બુધવારે રાજ્યના ડીજીપી અને થુથુકુડી જિલ્લાના એસપીને નોટિસ ફટકારી છે.
એનએચઆરસીએ જણાવ્યું હતું કે, તેણે પોલીસ અધિકારીઓ પાસેથી ૬ અઠવાડિયાની અંદર રિપોર્ટ માંગ્યો છે, જેમાં ઇન્કવેસ્ટ રિપોર્ટ, પોસ્ટ મોર્ટમની રિપોર્ટ, તબીબી સારવારનો રેકોર્ડ, મેજિસ્ટ્રેલ તપાસ રિપોર્ટ અને બંને પીડિતોના સ્વાસ્થ્ય તપાસનો રિપોર્ટ સામેલ કરવાનો છે.
થુથુકુડી નજીક સથંકુલમ શહેરમાં પી જેયરાજ અને તેમના પુત્ર જે બેનિક્સના મોતથી દેશવ્યાપી હોબાળો મચ્યો છે જેથી રાજ્ય સરકાર દ્વારા મોતની તપાસ સીબીઆઈને ટ્રાન્સફર કરવાના આદેશને પસાર કરાયા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, તેમના ગુપ્તાંગોમાં ગંભીર ઈજાઓ થઇ હતી. પોલીસ તપાસના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે, પ્રારંભિક તારણો દર્શાવે છે કે, બંનેની અટકાયત પછી ૧૯-૨૦ જૂનની રાત એમની ઉપર પર ત્રાસ ગુજારવામાં આવ્યો હતો.
મદ્રાસ હાઈકોર્ટ દ્વારા કથિત કસ્ટોડિયલ મોતની તપાસ માટે નિયુક્ત મેજિસ્ટ્રેટે કોર્ટને પત્ર લખીને કહ્યું હતું કે, સંબંધિત પોલીસ સ્ટેશનના અધિકારીઓએ પુરાવા નાશ કરી દીધા હતા, તપાસમાં સહકાર આપ્યો ન હતો અને ન્યાયિક ટીમને ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો. હાઈકોર્ટમાં મેજિસ્ટ્રેટની નોંધથી યાતનાના આરોપોની પુષ્ટિ થાય છે, સાક્ષીઓએ તેની પુષ્ટિ આપી હતી કે, “બંને પિતા અને પુત્રને રાત દરમ્યાન, વહેલી સવાર સુધી લાઠીઓથી મૂઢ માર મારવામાં આવતા બંનેનું મોત થયું હતું.”
નાદર કોમના વેપારી સમુદાય સાથે સંકળાયેલા જયરાજ વિરૂદ્ધ પોલીસે ૧૯મી જૂનના રોજ કાર્યવાહી કરી હતી. પોલીસે આરોપો મુક્યા હતા કે, એમણે લોકડાઉનમાં મર્યાદિત સમય કરતા વધુ સમય માટે દુકાન ખુલ્લી રાખી હતી અને બંધ કરવાનું કહેતા પોલીસને ગાળો આપી હતી.
હત્યાના આરોપ માટે કોઈ અધિકારી સામે કેસ દાખલ કરાયો નથી, તેમ છતાં બે એફઆઈઆર નોંધાઈ છે.
તમિલનાડુની પોલીસ કસ્ટડીમાં મોત મામલે હત્યાની કલમ ઉમેરાઈ : પોલીસની ધરપકડ
(એજન્સી) ચેન્નઈ, તા.ર
તમિલનાડુના કસ્ટોડિયલ ડેથ કેસમાં હત્યાનો આરોપ ઉમેરવામાં આવ્યો હતો અને જવાબદાર પોલીસની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ કસ્ટડીમાં પિતા-પુત્રના થયેલા મોત મામલે એક પોલીસ અધિકારીની ધરપકડ કરવામાં આવી હતી પાંચ અન્ય આરોપીઓ સામે પણ કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી કોરોના વાયરસ લોકડાઉનના કારણે લાગુ નિયંત્રણો હેઠળ પિતા-પુત્રએ માત્ર ૧પ મિનિટ મોડી દુકાન ચાલુ રાખી હતી જેથી પોલીસે તેમની ધરપકડ કરી તેમની પર ત્રાસ ગુજાર્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. તમિલનાડુ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સબ ઈન્સપેક્ટર રઘુ ગણેશની ધરપકડ કરવામાં આવી હતી એફઆઈઆરમાં હત્યાની કલમ ૩૦ર ઉમેરવામાં આવી હતી. ૧ર ટીમો આ કેસમાં તમામ એન્ગલથી તપાસ કરી રહી છે.