(એજન્સી) તા.ર
કાશ્મીરમાં સુરક્ષાદળો અને ત્રાસવાદીઓ વચ્ચે બુધવારે થયેલા અંધાધૂંધ ગોળીબાર દરમ્યાન પોતાના જ ત્રણ વર્ષના પૌત્રની હાજરીમાં ૬૫ વર્ષના દાદાના થયેલા મોતની ઘટનાએ કાશ્મીરમાં વિવાદનું સ્વરૂપ પકડી લીધું છે. યાદ રહે કે સુરક્ષાદળો દ્વારા એવું કહેવાયું હતું કે આ દાદા અને પૌત્ર રસ્તાની બાજુમાં ઉભા રહ્યા હતા ને તે દરમ્યાન ગોળી વાગતા દાદાનું મોત થયું હતું. શ્રીનગરથી ૪૮ કિલોમિટર ઉત્તર-પશ્ચિમે આવેલા સોપોર નગરમાં ત્રાસવાદીઓ અને સીઆરપીએફના જવાનો વચ્ચે ધાધૂંધ ગોળીબાર થયા હતા જેમાં સીઆરપીએફનો એક જવાન શહીદ થઇ ગયો હતો અને અન્ય બે લોકોને ઇજા થઇ હતી. જમ્મુ-કાશ્મીરની પોલીસે કહ્યું હતું કે લશ્કરે તૈયબાના બે ત્રાસવાદીઓ ઓસમાન અને નાસિરે સીઆરપીએફ અને કાશ્મીર પોલીસની પેટ્રોલિંગ પાર્ટી ઉપર હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટનાની જે તસ્વીરો બહાર આવી હતી તે પૈકીની એક તસ્વીરમાં ૬૫ વર્ષીય બશીર એહમદ ખાન નામનો એક સ્થાનિક નાગરિક લોહીના ખાબોચિયામાં સૂતેલો જોઇ શકાય છે અને તેની છાતી ઉપર તેનો ત્રણ વર્ષનો અય્યાન નામનો પૌત્ર રડી રહ્યો છે. ત્યારબાદ સુરક્ષાદળના એક જવાને તેને ચોકલેટની લાલચ આપી તેની પાસે બોલાવી લીધો જેથી કરીને ગોળીબારમાં આ માસુમને કોઇ ઇજા થાય નહીં. જમ્મુ-કાશ્મીર પોલીસ અને સીઆરપીએફનું એમ કહેવું છે કે મસ્જિદમાં છૂપાયેલા ત્રાસવાદીની ગોળીથી બશીર એહમદનું મોત થયું હતું, જ્યારે તેના પરિવારજનો કાંઇક બીજું જ કહે છે. બશીર અહેમદ ખાનના પુત્રએ કહ્યું હતું કે સુરક્ષાદળોના જવાનોએ ઠંડે કલેજે તેના પિતાની હત્યા કરી નાંખી છે. અચાનક ફાટી નીકળેલા ગોળીબારના કારણે વાહનોમાં જતા ને પગે ચાલીને જતા લોકોમાં સંતાઇ જવા દોડધામ શરૂ થઇ ગઇ હતી. મારા પિતા સંતાવાનું કોઇ ઠેકાણું શોધી શક્યા નહીં કેમ કે મારો ભત્રિજો વાહની આગળની બાજુએ બેઠો હતો. સીઆરપીએફનો એક જવાન આવ્યો અને તેમને કારમાંથી બહાર ઢસડી ગયો અને ઠંડા કલેજે તેમની છાતીમાં ગોળી મારી દીધી.