(એજન્સી) તા.ર
કેન્દ્ર સરકાર તરફથી ચાલી રહેલી વડાપ્રધાન ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ગામડાઓમાં પરત ફરેલા પ્રવાસી મજુરોને મફત રાશનની મદદ આપવામાં આવી રહી છે. પરંતુ આ સ્ક્રીમની વાસ્તવિકતા જાહેરાતોથી અલગ છે. પ્રવાસી મજુરોને વિતરણ માટે ૮ લાખ મેટ્રીક ટન રાશન ફાળવવામાં આવ્યું હતું, જેમાંથી મે અને જૂનમાં માત્ર ૧૩ ટકા રાશન જ મજુરોને મળી શકયું છે. પ્રવાસી મજુરોના મોટી સંખ્યામાં શહેરોથી ગામડાઓ તરફ પલાયનના કારણે કેન્દ્ર સરકારની જોરદાર ટીકા થઈ હતી, ત્યાર બાદ વડાપ્રધાન કલ્યાણ અન્ન યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. ખાધ તેમજ સપ્લાય મંત્રાલયના આંકડાઓ મુજબ સરકારે મે અને જૂનમાં દર મહીને ૮ કરોડ એવા મજુરોને પ કિલો મફત રાશન આપવાની જાહેરાત કરી હતી, જેમની પાસે રાશન કાર્ડ નથી. પરંતુ માત્ર ર.૧૩ કરોડ લાભાર્થીઓને જ અત્યાર સુધી રાશન મળી શકયું છે. તેમાંથી ૧.ર૧ કરોડ લોકોને મફત રાશન આપવામાં આવ્યું હતું. જયારે ૯ર.૪૪ લાખ મજુરોને જુનમાં રાશન મળ્યું.
નાણામંત્રી સીતારમણ ૧૪ મેએ સ્કીમની જાહેરાત કરતા જણાવ્યું હતું કે ૮ કરોડ પ્રવાસી મજુરો માટે આ યોજના લોન્ચ કરવામાં આવી રહી છે. મંત્રાલયના ડેટા મુજબ તમામ ૩૬ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ ફાળવવામાં આવેલા ૮ લાખ મેટ્રીક ટન રાશનમાંથી ૬.૩૮ લાખ મેટ્રીક ટન રાશન ઉઠાવી લીધુ હતું. આ રીતે આત્માનિર્ભર ભારત અભિયાન હેઠળ જારી કરવામાં આવેલા રાશનનો ૮૦ ટકા ભાગ રાજયો સુધી પહોંચી ગયો પરંતુ ૩૦ જુન સુધી લાભાર્થીઓ સુધી માત્ર ૧.૦૭ લાખ મેટ્રીક ટન રાશન જ પહોંચ્યું છે. આ ભાગ કુલ ફાળવવામાં આવેલા રાશનનો માત્ર ૧૩ ટકા જ છે. આંકડાઓ મુજબ બે મહિનાનો પોતાનો લગભગ સંપૂર્ણ કોટા ઉઠાવી લીધા પછી પણ રાજય સરકારો મજુરોને તેમના ભાગનું મફત રાશન આપી શકી નથી. ઓછામાં ઓછા ર૬ રાજય અને કેન્દ્ર શાસિત પ્રદેશ એવા છે જેમણે પોતાના કોટાનું સંપૂર્ણ રાશન ઉઠાવ્યું છે, પરંતુ કોઈએ પણ સંપૂર્ણ ભાગને મજુરને આપ્યો નથી. સૌથી વધુ રાશન ૧,૪ર,૦૩૩ મેટ્રીક ટન ઉત્તરપ્રદેશ માટે જારી કરવામાં આવ્યું હતું, જેમાંથી રાજયએ ૧,૪૦,૬૩૭ મેટ્રીક ટન રાશન ઉઠાવી લીધું હતું. પરંતુ રાજયમાં માત્ર ર.૦૩ ટકા એટલે ૩,૩ર૪ મેટ્રીક ટન રાશન જ વહેંચવામાં આવ્યું. આ રાશન ૪.૩૯ લાખ લાભાર્થીઓને મે માં મળ્યું, જયારે જૂન મહિનામાં ર.રપ લાખ લાભાર્થીઓને આ રાશન મળી શકયું.
આજ રીતે બિહારે પણ પોતાના કોટાનું ૮૬,૪પ૦ મેટ્રીક ટન સંપૂર્ણ રાશન ઉઠાવ્યું હતું, પરંતુ માત્ર ર.૧૩ ટકા ભાગ જ મજુરો સુધી પહોંચી શકયો છે. યુપી અને બિહાર ઉપરાંત ૧૧ રાજય અને એક કેન્દ્ર શાસિત પ્રદેશ એવો છે જેણે કેન્દ્ર પાસેથી લેવામાં આવેલા રાશનનો માત્ર ૧ ટકા ભાગ જ મજુરો સુધી પહોંચાડયો છે. આ રાજય છે આંધ્રપ્રદેશ, ગોવા, ગુજરાત, ઝારખંડ, મહારાષ્ટ્ર, મેઘાલય, ઓરિસ્સા, સિક્કીમ, તામિલનાડુ, તેલંગાણા અને ત્રિપુરા તે ઉપરાંત કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખની પણ આવી જ સ્થિતિ છે.