નવી દિલ્હી, તા.૨
ફાસ્ટ બોલર એસ. શ્રીસંતનું જીવન તે સમયે સમગ્રપણે બદલાઈ ગયું હતું જ્યારે વર્ષ ૨૦૧૩માં તેની આઇપીએલ સ્પોટ ફિક્સિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. શ્રીસંતની દિલ્હી પોલીસની તે સમયે ધરપકડ કરવામાં આવી હતી જ્યારે તે ટીમની સાથે પાર્ટી કરી રહ્યો હતો. આ ઘટનાને શ્રીસંતે બુધવારે યાદ કરી અને જણાવ્યું કે કેવી રીતે તેને પોલીસ આતંકવાદીઓના વોર્ડમાં લઈ ગઈ અને રોજ તેને ૧૬-૧૭ કલાક ટોર્ચર કરવામાં આવ્યો.
ક્રિકેટ વેબસાઇટ ક્રિકટ્રેકરની સાથે વીડિયો લાઇવ દરમિયાન શ્રીસંત એ જણાવ્યું કે, તેણે દિલ્હી પોલીસ રોજ ૧૬-૧૭ કલાક પૂછપરછ કરી હતી અને તેને પરિવાર સાથે મળવા ન દીધો, જે ટોર્ચરથી ઓછું નહોતું. શ્રીસંતે કહ્યું કે, જો તમે મારો જીવ લેશો તો તેમાં માત્ર કેટલીક સેકન્ડ લાગશે. તે દિવસે મેચ પાર્ટી ચાલી રહી હતી અને મને આતંકવાદીઓના વોર્ડમાં લઈ જવામાં આવ્યો. મને લાગ્યું જાણે કે મને બકરો બનાવવામાં આવ્યો હોય.
શ્રીસંતે વધુમાં કહ્યું કે, મારી સાથે ૧૨ દિવસ સુધી ૧૬થી ૧૭ કલાક પૂછપરછ થઈ, હું તે સમયે મારા પરિવાર વિશે વિચારતો હતો. થોડા દિવસ બાદ મારા ભાઈ મને મળવા આવ્યા અને પછી મને જાણવા મળ્યું કે, મારો પરિવાર સાચો છે. તે મુશ્કેલ સમયમાં મારા પરિવારે મારો સાથો આપ્યો. શ્રીસંતે કહ્યું કે તેઓ ભાગ્યશાળી છે કે તેનો જેલ જતી વખતનો કે જેલની બહાર આવતો કોઈએ ફોટો નથી ખેંચ્યો. શ્રીસંતે કહ્યું કે તેમના બાળકોને ઓછામાં ઓછી આવી તસવીરો જોવી નહીં પડે.