(સંવાદદાતા દ્વારા)
ભરૂચ, તા.ર
ભરૂચ જિલ્લામાં દિન-પ્રતિદિન વધી રહેલા કોરોનાના કહેર વચ્ચે ભરૂચની મામલતદાર કચેરી ખાતે અપૂરતી સુવિધા વ્યવસ્થા અને લાંબા સમયથી અરજદારોના કામો અટકેલા રહેતા એક સાથે અરજદારોના રાફડો ફાટી નીકળતા સોશ્યલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઊડવા પામ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ કલેકટર કચેરી સંકુલ ખાતે રેશનકાર્ડ આવકના દાખલા સહિત વિવિધ વિભાગીય કામો માટે તેમજ ઈ.સ્ટેમ્પીંગ માટે વહેલી સવારે ૬ કલાકથી મોટી સંખ્યામાં અરજદારો લાઈનોમાં લાગી જતા હાલ ટોકન પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી છે. જો કે, છતાંય પૂરતા સ્ટાફ અને વ્યવસ્થાના અભાવે લોકોના ટોળે-ટોળા ઊમટી પડતા કોરોના મહામારી વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડવા પામ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ભરૂચ શહેર જિલ્લામાં પણ દિન-પ્રતિદિન કોરોના સંક્રમિતોની સંખ્યા કૂદકે-ભૂસકે વધતા લોકોમાં ચિંતા સાથે દહેશતની લાગણી વ્યાપવા પામી છે ત્યારે એક્ઝિકયુટીવ મેજિસ્ટ્રેટ કક્ષાના અધિકારીઓની કચેરી ખાતે સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઊડે તે કેટલા અંશે વ્યાજબી ગણાય આ અંગે વહીવટી તંત્ર નક્કર પગલાં લે તે જરૂરી છે.