અમરેલી, તા.૨
એલઆરડીની ભરતીમાં વિવાદ બાદ ગાંધીનગર ખાતે ૭૨ દિવસ ચાલેલ આંદોલન બાદ સરકાર ભીંસમાં આવતા સમાધાન કરતા આંદોલન સમેટાયું હતું. પરંતુ આજે તે વાતને ૪ મહિના થયા તેમ છતાં ઓર્ડર નહીં આપતા આજે અમરેલીની એલઆરડી બહેનો અને વિવિધ સમાજના સંગઠનો દ્વારા અમરેલી કલેક્ટરને આવેદન પત્ર આપેલ હતું અને જણાવેલ હતું કે, ૧૫ જુલાઈ સુધીમાં ઓર્ડર નહીં આપવામાં આવે તો ફરી રાજ્યવ્યાપી આંદોલન છેડવામાં આવશે. મહિલા લોકરક્ષક દળની ભરતીમાં વિવાદ થતાં ગાંધીનગર ખાતે એલઆરડી બહેનો દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું, જેમાં એલઆરડી મહિલાઓએ ૭૨ દિવસ સુધી આંદોલન કરતા સરકાર ભીંસમાં આવતા સરકારે એલઆરડી ભરતી લડત ચલાવતા સંગઠન સામે સમાધાન કરેલ હતું અને એ વાતને આજે ૪ માસ થયેલ છે તેમ છતાં હજુ સુધી લોકરક્ષક બોર્ડ દ્વારા બહેનોને ઓર્ડરો આપવામાં આવેલ નથી. જે અંગે આજે અમરેલી ખાતે એલઆરડી બહેનો તેમજ વિવિધ સમાજના સંગઠનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જણાવ્યું હતું કે, હાલમાં કોરોના મહામારી ચાલી રહી છે તેવામાં સરકાર ફરી આંદોલન કરવા મજબૂર કરી રહી હોઈ તેવું લાગી રહ્યું, આવેદન પત્રમાં જણાવ્યું હતું કે, જો ૧૫ જુલાઈ સુધીમાં ઓર્ડરો નહીં આપવામાં આવે તો ફરી રાજ્યવ્યાપી આંદોલન કરવાની સરકાર સામે ફરજ પડશે.