(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા.૩
સરકારના શ્રમ વિરોધી કાયદાને કારણે શ્રમજીવીઓને થતાં નુકસાનને રોકવા અને ઉદ્યોગો દ્વારા કામદારોને થતાં અન્યાયના વિવિધ પ્રશ્નો અંગે આજે વડોદરા સંયુક્ત ટ્રેડ યુનિયન સમિતિના અગ્રણી રાજેશ આયરેની આગેવાનીમાં મોરચો કાઢી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરી કેન્દ્ર સરકારની નીતિ સામે રોષ વ્યક્ત કર્યો હતો. કેન્દ્ર સરકારના શ્રમજીવી વિરોધી કાયદાઓ ઘડવાની નીતિ સામે રાષ્ટ્રવ્યાપી લડતના ભાગરૂપે શ્રમયોગીઓ દ્વારા લડતના મંડાણ શરૂ કરાયા છે. ત્યારે સંયુક્ત ટ્રેડ યુનિયન સમિતિના વડોદરાના અગ્રણી રાજેશ આયરેની આગેવાનીમાં ડેપ્યુટી કલેક્ટર જમીન સુધારણા ખ્યાતી પટેલ આવેદનપત્ર અપાયું હતું. આવેદનપત્રમાં સંયુક્ત ટ્રેડ યુનિયન સમિતિના અગ્રણીઓએ જણાવ્યું છે કે, લોકડાઉનના સમય ગાળામાં લોકડાઉનમાં અશાંત ઉદ્યોગો ચાલુ કરવામાં આવ્યા ત્યારથી માલિકો દ્વારા કંપનીમાં ત્રણ માસથી વધુ સમય ઉત્પાદન બંધ લોકડાઉનના કારણે રહ્યું હતું. પરંતુ તે સમયને ભરપાઈ કરવાના આશયથી કેન્દ્ર અને રાજ્ય સરકાર પર કલાક કામના કલાકમાં ૪ કલાક કામનો વધારો કરવા તથા નવા ઉદ્યોગો ભારતમાં અને ગુજરાત રાજ્યમાં આવે તેના માટે ૧ર૦૦ દિવસ કોઈપણ મજૂર કાયદા લાગુ પડશે નહીં તેવા કાયદો ઘડવા માટે પણ રજૂઆત કરેલ હતી. લોકડાઉન ઉઠાવ્યા બાદ ઘણી કંપનીઓ સરકારના પરિપત્રને ધ્યાનમાં લીધા વગર નોકરીમાંથી હજારો કામદારોને છૂટા કરવામાં આવ્યા છે અને હોટલ ઉદ્યોગ, સિનેમા ઉદ્યોગના કામદારો ધંધા ચાલુ ન હોઈ બેકારીના ખપ્પરમાં સપડાયેલ છે.