(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૩
અમદાવાદ શહેર સહિત ગુજરાતમાં કોરોનાની મહામારી બાદ લદાયેલા લોકડાઉન અને ત્યારબાદ અનલોક એક અને બે બાદ રાજ્યનું જનજીવન ધીરે-ધીરે થાળે પડી રહ્યું છે, ત્યારે અમદાવાદ શહેરના જમાલપુર સ્થિત એપીએમસી માર્કેટ હજી સુધી શરૂ ના કરાતા વેપારીઓ, કમિશન એજન્ટો અને છૂટક વિક્રેતાઓને તો ભોગવવાનો વારો આવ્યો છે. સાથે-સાથે સામાન્ય પ્રજાને પણ મોંઘુ શાકભાજી ખરીદવાની ફરજ પડે છે. કોરોનાની મહામારી બાદ જમાલપુર વિસ્તાર રેડ ઝોનમાં મૂકાતા જમાલપુર માર્કેટ યાર્ડ તા.૫-૪-૨૦૨૦ના રોજ હંગામી ધોરણે જેતલપુર માર્કેટયાર્ડ ખાતે ખસેડાયું હતું. જો કે, ત્યારબાદ જમાલપુર રેડ ઝોનમાંથી મુક્ત થતાં એપીએમસી માર્કેટના સેક્રેટરીએ તા.૯-૬-૨૦૨૦ના રોજ પરિપત્ર કરી જમાલપુર માર્કેટ યાર્ડ ફરી શરૂ કરવા જણાવ્યું હતું. આ પરિપત્ર બહાર પાડ્યા બાદ રાતોરાત શું રંધાઈ ગયું કે, એપીએમસી માર્કેટના સેક્રેટરીએ ફરી પરિપત્ર કરી જેતલપુર માર્કેટયાર્ડ ખાતે જ હાલ શાકભાજી વિતરણ ચાલુ રાખવા જણાવ્યું હતું. આ અંગે ધી અમદાવાદ વેજીટેબલ જનરલ કમિશન એજન્ટ કો-ઓપરેટિવ સોસાયટીના જવાબદારોના જણાવ્યા મુજબ અમને એપીએમસીના સેક્રેટરીએ તા.૨૮-૬-૨૦૨૦ના રોજ ફરી એકવાર પરિપત્ર પાઠવી જાણ કરી કે જમાલપુર માર્કેટ યાર્ડમાં પુનઃ ધંધો શરૂ કરી શકો છો. અમે તા.૨૭-૬-૨૦૨૦ સુધી જેતલપુર માર્કેટમાં ધંધો કર્યો હતો. ત્યારબાદ અચાનક ૨૮મીએ રાત્રે જ સેક્રેટરીએ અમારા વેપારીઓના વ્હોટ્સએપ ગ્રુપમાં ફરી મેસેજ કર્યો કે પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરના જણાવ્યા મુજબ જમાલપુર માર્કેટ ખાતે તા.૧૫-૭-૨૦૨૦ સુધી ધંધો કરી શકાશે નહીં. વેપારી અગ્રણીઓના જણાવ્યા મુજબ મહારાષ્ટ્રમાં ગુજરાત કરતાં અનેક ઞણા કેસ હોવા છતાં વેજીટેબલ માર્કેટ ક્યારેય તબદીલ કરાયા નથી. આ પરિસ્થિતિ મુજબ થોડા સમય માટે ચાલુ કે બંધ કરાયા છે. હાલ અમદાવાદમાં ખાસ કરીને માર્કેટ જે વિસ્તારમાં આવેલું છે ત્યાં પરિસ્થિતિ કાબૂમાં હોવા છતાં શા માટે માર્કેટ શરૂ કરાતું નથી તે ચિંતાનો વિષય છે. સરકારે ખેડૂતોના, વેપારીઓના અને નાગરિકોના હિતમાં વહેલી તકે જમાલપુર માર્કેટ યાર્ડ શરૂ કરાવવું જોઈએ, નહીં તો અસંખ્ય લોકોને ભૂખે મરવાનો વારો આવશે.