અમદાવાદ, તા.૩
રાજ્યમાં કોરોના મહામારીનો કેર વધતો જઈ રહ્યો છે. દિન-પ્રતિદિન કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે શાળાઓ અને કોલેજો બંધ છે. સરકાર દ્વારા શાળા ખોલવાની અને અભ્યાસ કરાવવા માટેની છૂટછાટ અંગે ચર્ચા વિચારણાઓ વચ્ચે મોટાભાગના વાલીઓ આવા સંક્રમણ સમયે બાળકોને શાળાએ નહીં મોકલવાનો નિર્ણય કરી લીધો છે. વાલીઓના મતે જો મોટા વયસ્ક લોકો સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન ન કરી શકે તો નાના બાળકો કેવી રીતે પાલન કરશે ? સ્વાભાવિક રીતે જ નાના બાળકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે. વિદ્યાર્થીઓના વાલીઓએ પોતાના બાળકોને શાળાએ નહીં મોકલવાનો જાતે જ નિર્ણય કર્યો છે. શાળા હાલ તો શરૂ થવાની નથી પણ કદાચ શાળા શરૂ થાય તો પણ પોતાના વ્હાલસોયા બાળકોને અભ્યાસ અર્થે મોકલવા નહીં. વળી કેટલાક વાલીઓ તો બાળકોનું એક વર્ષ બગડે તો પણ મંજૂર છે તેમ જણાવી રહ્યા છે. બીજી તરફ ઓનલાઈન શિક્ષણ સહિતના ગતકંડા કરી રહ્યા હોવાનો પણ અનેક વાલીઓ આક્ષેપ કરી રહ્યા છે. જો કે, અનેક વાલીઓએ આ કોરોનાના સમયગાળામાં જ્યાં સુધી સ્થિતિ સંતોષજનક ન બને ત્યાં સુધી તેમના સંતાનોને શાળાએ ન મોકલવાનો નિર્ણય કર્યો છે. કેટલાક વાલીઓના મતે જો મોટી ઉંમરના સમજું વયસ્ક લોકો સારી રીતે સામાજિક અંતર, માસ્ક સહિતના નિયમોનું ચુસ્ત પાલન નથી કરી શકતા તો નાના બાળકો કઈ રીતે તેનું પાલન કરશે ? આમ વાલીઓ પોતાના સંતાનો મામલે કોઈ રીસ્ક લેવા માંગતા નથી. વળી હાલ કોરોનાના સંક્રમણમાં પણ વધારો થતો જોઈ કદાચ શાળાઓમાં વ્યવસ્થા સાથે પણ અભ્યાસ શરૂ થાય તો પણ વાલીઓ પોતાના સંતાનોને અભ્યાસ અર્થે મોકલવા નથી માંગતા. તેમના મતે વર્ષ બગડે તો બગડે જાન હૈ તો જહાન હૈ.