અમદાવાદ, તા. ૬
અમદાવાદ મહિલા ક્રાઈમના લાંચિયા પીએસઆઈ શ્વેતા જાડેજા હાલ પોલીસ રિમાન્ડ પર છે. જોકે તપાસ સાથે સંકળાયેલા અધિકારીઓને શ્વેતા જવાબ નથી આપતી. તપાસ દરમિયાનના સવાલોનો જવાબ કાયદાકીય જ આપી રહી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. તો તાજેતરમાં શ્વેતાએ મોંઘો ફોન પણ ખરીદ્યો હતો. તે ફોન તેના રૂપિયાથી લીધો કે કોઈએ અપાવ્યો તે બાબતે તપાસ ચાલી રહી છે. લાંચ લેનારી પીએસઆઈ શ્વેતા જાડેજા ખૂબ ચબરાખ છે. તે પોતે જાણે ગુનાહિત માનસિકતા ધરાવતી હોય તેમ પોલીસની રગે રગથી વાકેફ હોય તેવું વર્તન તેનું જોવા મળી રહ્યું છે. કોઈપણ અધિકારી સવાલ કરે તો કાયદો આપ જાણો જ છો તેમ કહી વાત ટાળી રહી છે. ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી અને સાયબર ક્રાઈમની ચાર ટીમો આ કેસમાં તપાસ કરી રહી છે. આ ટીમોએ કેશોદ, પોરબંદર, ઉપલેટામાં ધામા નાખ્યા છે અને અમદાવાદમાં પણ તપાસ કરી રહી છે. તો બીજીતરફ આંગડિયા પેઢીના જયુભા ચુડાસમાને આ કેસમાં સાક્ષી બનાવાયો છે. બીજીતરફ સુત્રોનું કહેવું છે કે મહિલા પીએસઆઈ શ્વેતા જાડેજાની ભરતી પ્રક્રિયાથી લઈને વર્તમાન પોસ્ટિંગ સુધીની મિલકત, વાહન, મોંઘી વસ્તુઓ અને મોબાઈલ સહિતની ખરીદ વેચાણની માહિતી તપાસ એજન્સી એકઠી કરી રહી છે. તેણે તાજેતરમાં એક મોંઘો ફોન ખરીદ્યો હતો તે તેણે પોતે ખરીદ્યો કે લાંચની રકમથી મેળવ્યો તે બાબતે પણ તપાસ હાથ ધરાઈ છે. મહિલા પીએસઆઈ કોઈની સલાહ સુચન પ્રમાણે જ ચાલી રહી હોવાનું પોલીસ માની રહી છે. શ્વેતા જાડેજાએ અત્યારસુધીમાં ૧૩ કેસની તપાસ કરી છે. તે કેસોના ફરિયાદી આરોપીઓની પણ પૂછપરછ કરી અન્ય લાંચના વ્યવહારો કરાયા છે કે કેમ તે તપાસાશે. તો બીજીતરફ, તપાસ એજન્સીએ પીએસઆઈ અને તેના પરિવારજનોના બેન્ક એકાઉન્ટની માહિતી પણ મંગાવી છે. ૩૫ લાખમાંથી ૨૦ લાખનો જ ઓન પેપર નો હિસાબ મળ્યો છે. પણ ૧૫ લાખ બાબતે પીએસઆઈ જવાબ આપતી નથી.