Site icon Gujarat Today

અમદાવાદમાં રિક્ષાચાલકોની હડતાળ નિષ્ફળ : મોટાભાગના ચાલકો ન જોડાયા

અમદાવાદ શહેરના રિક્ષાચાલકોએ વિવિધ માગણી સાથે એક દિવસીય હડતાળનું એલાન આપ્યું હતું, પરંતુ મંગળવારે સવારના સમયે થોડાક સમય માટે રિક્ષાઓ બંધ રહ્યા બાદ મોટાભાગની રિક્ષાઓ પુનઃ રસ્તા પર દોડતી થઈ ગઈ હતી, કેટલાક રિક્ષાચાલકોએ બંધ પાળી દેખાવો પણ કર્યા હતા.

અમદાવાદ, તા.૭
અમદાવાદ શહેરમાં રિક્ષાચાલકોના વિવિધ એસોસિએશન દ્વારા રાજ્ય સરકાર સમક્ષ કરાયેલી વિવિધ માગણીઓનો સ્વીકાર ન કરાતા એક દિવસીય હડતાળનું એલાન આપવામાં આવ્યું હતું. પરંતુ સવારના સમયે થોડાક સમય માટે રિક્ષાઓ બંધ રહ્યા બાદ લોકડાઉનના ત્રણેક મહિના સુધી ધંધા વિનાના થઈ ગયેલા રિક્ષાચાલકોએ ધીમે-ધીમે તેમની રિક્ષાઓ દોડતી કરાતા રસ્તાઓ પુનઃ ધમધમી ઊઠ્યા હતા. આજે અમદાવાદમાં રિક્ષા યુનિયનના પ્રમુખ અશોક પંજાબીના નેજા હેઠળ હડતાળની જાહેરાત કરાઈ હતી. રાજ્ય સરકાર તરફથી રાહત પેકેજ આપવામાં ન આવતા, રોકડ નાણાકીય સહાયની માંગ, સરળ નિયમોને આધારે લોનની માંગ, પોલીસ દ્વારા માર્ગો પર હેરાન ન કરવામાં આવે, મેમો ન આપવામાં આવે, રિક્ષાચાલકોને બાળકોની સ્કૂલ ફી માફ થાય, ઘરના વીજ બિલની માફી સહિતની માંગ ન સંતોષાતા આખરે હડતાળનો નિર્ણય કરાયો હતો. થોડા દિવસ અગાઉ રિક્ષાચાલક એસોસિએશન દ્વારા ડેપ્યુટી સીએમ નીતિન પટેલને રજૂઆત કરાઈ હતી. આજની હડતાળમાં કેટલાક રિક્ષાચાલક એસોસિએશન જોડાયા ન હતા. ભૂતકાળની જેમ આ વખતે પણ રિક્ષાચાલકોની હડતાળ અસફળ રહી હતી. અમદાવાદ રિક્ષાચાલકોના બંધના સમર્થનમાં અમદાવાદના જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા આવ્યા હતા. રિક્ષાચાલકોની હડતાળ ફરી એકવાર લગભગ અસફળ રહી હતી. વહેલી સવારે થોડા સમય રિક્ષાઓ બંધ રહ્યા બાદ રિક્ષાઓ માર્ગો પર ફરી રહી છે. ૨ મહિના રિક્ષાઓ બંધ રહી ત્યારબાદ હવે ફરી બંધ પોસાય તેમ ના હોવાનો રિક્ષાચાલકોનો મત છે. રિક્ષાચાલકોએ કહ્યું કે, પરેશાન જરૂર છીએ, પરંતુ બંધમાં જોડાઈને પરેશાની વધશે જશે. રિક્ષા આગેવાનોને સંકલનના અભાવના કારણે ભૂતકાળ જેવી ફરી એકવાર સ્થિતિ સર્જાઈ હતી. આગામી દિવસોમાં ઓટો રિક્ષાચાલકોની માગણીનો સ્વીકાર નહીં થાય તો વિવિધ કાર્યક્રમો આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

Exit mobile version