અમદાવાદ, તા.૯
લોકડાઉનને કારણે લાંબા સમય સુધી વ્યાપાર, ધંધા, ઉદ્યોગો બંધ રહેતા મસ્કતી કાપડ માર્કેટ મહાજનમાં કામ કરતા લારીવાળા તથા અન્ય કર્મચારીઓને સહાય માટેનો નિર્ણય લેવાયો છે. ૭૦૦થી વધુ લારીવાળા ભાઈઓના ખાતામાં રૂા.૩૦૦૦ની સહાય જમા કરાવવામાં આવશે તથા માર્કેટમાં કામ કરતા કર્મચારીઓના સંતાનોના શિક્ષણનો ખર્ચ પણ મહાજન દ્વારા ઊઠાવવામાં આવશે જ્યારે કર્મચારી કે તેના પરિવારજનોમાં કોઈ બીમારી કે અન્ય કોઈ તકલીફ હોય તેમને પણ સહાય કરવામાં આવશે. ૧૧૪ વર્ષ જૂના મસ્કતી કાપડ માર્કેટ મહાજન દ્વારા કરવામાં આવેલી સહાયની અનોખી પહેલ અંગે માહિતી આપતા પ્રમુખે જણાવ્યું હતું કે, મહાજનની મેનેજિંગ કમિટીની બેઠકમાં લારીવાળા ભાઈઓ ગુમાસ્તા તથા માર્કેટમાં કોઈપણ પેઢીમાં કામ કરતા કર્મચારીઓને આ કપરી પરિસ્થિતિમાં મદદરૂપ થવા રાહત કામગીરી માટે મહાજન દ્વારા રૂા.૫૦ લાખની ફાળવણી કરવામાં આવી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મસ્તી મહાજનમાં લગભગ ૭૦૦ લારીવાળા ભાઈઓ કામગીરી કરે છે એટલે મસ્કતી કાપડ મહાજનના લારી મંડળમાં નોંધાયેલા તમામ લારીવાળા ભાઈઓને રૂા.૩૦૦૦ની સહાય સીધી તેમના ખાતામાં જમા થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સાથે-સાથે તમામ કર્મચારીઓના સંતાનોની શિક્ષણના ખર્ચની જવાબદારી પણ મહાજન દ્વારા ઉપાડી લેવાનું નક્કી કર્યું છે. આ તમામ કામગીરી માટે રાહતનિધિ સમિતિની રચના કરી દેવામાં આવી છે તેના સભ્યો આ કામગીરી સંભાળશે. આટલું જ નહીં જે કર્મચારીઓનો પગાર ઓછો છે તેમના માટે પણ કોઈ સહાયક યોજના લાવવા માટે મહાજનની કમિટી વિચારણા કરી રહી છે. વધુમાં જાણવા મળતી માહિતી મુજબ મેનેજિંગ કમિટી અને મસ્કતી મહાજન ન્યુક્લોથ માર્કેટના તમામ વેપારીઓએ આ રાહતની કામગીરી આર્થિક રીતે અટકે નહીં તેના માટેની જવાબદારી સ્વીકારી લીધી છે.