(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૯
સુરતમાં કોરોનાના દર્દીને અપાતા અગત્યના એવા ટોસિલીજુમેબ ઈન્જેક્શન કાળા બજારમાં વેચાતા હોવા અંગે રાજ્યભરમાં ભારે ઉહાપોહ થતાં તે મુદ્દે રાજ્યના ના. મુખ્યમંત્રી નીતિન પટેલે યોગ્ય સ્પષ્ટ જવાબ આપવાને બદલે કોંગ્રેસ પર નિશાન સાધતા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, સરકારની ઘનિષ્ઠ કામગીરી સામે પાયાવિહોણા આક્ષેપો કરતા રાજકીય વિરોધીઓએ આ વૈશ્વિક મહામારીના સમયમાં રાજકારણ રમવાનું બંધ કરી નાગરિકો અને દર્દીઓની સેવાની કામગીરીમાં લાગી જવું જોઈએ તેમણે ઉમેર્યું કે, સુરતમાં ઈન્જેકશનની જરૂરિયાત અંગે ત્રણ નિષ્ણાંત તબીબોની સમિતિ બનાવાઈ છે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઉમેર્યું હતું કે, રાજ્ય સરકાર આશરે ૪૫ હજારની કિંમતના એક એવા ટોસિલિઝુમેબ તેમજ બહુમૂલ્ય રેમડેસિવિર જેવાં ઇન્જેક્શનોનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ કરાવવા ઉપરાંત દર્દીઓને આરોગ્યલક્ષી અદ્યતન સારવાર મળી રહે એ માટે સતત પ્રયત્નશીલ છે. આ અંગેની વિગતો આપતાં તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા કોવિડ-૧૯ પોઝિટિવ દર્દીઓની શ્રેષ્ઠ સેવા કરવામાં આવી રહી છે. રાજ્યનો ડિસ્ચાર્જ રેટ અને રિકવરી રેટ ખૂબ સારો છે.
દર્દીઓ માટે તમામ પ્રકારની દવાઓ પૂરતાં પ્રમાણમાં ઉપલબ્ધ છે તેમજ દર્દીએ કોઈ પણ દવા બહારથી લાવવાની રહેતી નથી. ખાસ કરીને અત્યંત ગંભીર પરિસ્થિતિમાં દર્દીને ટોસિલિઝુમેબ ઇન્જેક્શન આપવા માટે નિષ્ણાત તબીબો દ્વારા ભલામણ કરવામાં આવતી હોય છે. સમગ્ર વિશ્વમાં સ્વિત્ઝરલૅન્ડની એક માત્ર રોશ કંપની જ આ ઇન્જેક્શનનું ઉતપાદન કરે છે. જ્યારે ભારતમાં એક માત્ર સિપ્લા કંપની જ આ ઇન્જેક્શનની ડીલર છે. આવા પ્રત્યેક ઇન્જેક્શનની કિંમત આશરે ૪૫ હજાર રૂપિયા જેટલી થાય છે. આમ છતાં, રાજ્ય સરકાર દ્વારા જરૂર જણાય ત્યાં નિષ્ણાત તબીબોની ભલામણ અનુસાર, આ ઇન્જેક્શન મોકલી આપવામાં આવે છે. અત્યાર સુધી રાજ્ય સરકારને મળેલા ટોસિલિઝુમેબનાં કુલ ૨૨૨૦ વાયલમાંથી ૨૦૮૩ વાયલનો ઉપયોગ દર્દીઓની સારવાર માટે કરવામાં આવ્યો છે. આ ઇન્જેક્શનની સપ્લાય મર્યાદિત હોવાના કારણે નિષ્ણાત તબીબો દ્વારા કરવામાં આવતી રજૂઆત અનુસાર ઇન્જેક્શન મોકલવામાં આવે છે.
આ જ રીતે અન્ય આવશ્યક ઇન્જેક્શન એવા રેમડેસિવિર મુદ્દે તેમણે જણાવ્યું કે, આ પ્રકારના ઇન્જેક્શનના ૮૦૫૦ ઇન્જેક્શનની રાજ્ય સરકારની માગણી સામે માત્ર ૨૫૦ ઇન્જેક્શન જ મળી શક્યા છે. જેમાંથી અત્યાર સુધીમાં ૮૬ વાયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હવે કંપની દ્વારા ૨૦૦૦થી ૨૫૦૦ વાયલ રાજ્ય સરકારને સપ્લાય કરવા સંમતિ આપી છે.
ખાસ કરીને સુરતમાં ઇન્જેક્શનની સપ્લાય અંગે સર્જાયેલા પ્રશ્નના નિરાકરણ અંગે તેમણે જણાવ્યું કે, ઇન્જેક્શનની જરૂરિયાત અંગે સુરતમાં બે ખાનગી તેમજ સ્મિમર હોસ્પિટલના એક એમ ત્રણ તબીબોની કમિટી બનાવવામાં આવી છે. અત્યંત ગંભીર કિસ્સામાં આ કમિટી દ્વારા દર્દીની તપાસ કરીને ઇન્જેક્શન આપવાની જરૂર છે કે કેમ? તે અંગે ત્વરિત નિર્ણય કરશે. આ ભલામણના આધારે રાજ્ય સરકાર દ્વારા દર્દીની સારવાર માટે તાત્કાલિક ઇન્જેક્શન મોકલી આપવામાં આવે છે.
આ મુદ્દે થઈ રહેલા ઉહાપોહ રાજકીય આક્ષેપોને તદ્દન બેબુનિયાદ ગણાવતાં તેમણે દૃઢતાપૂર્વક જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા કોવિડ-૧૯ સામેની લડાઈમાં કોઈ કચાશ રાખવામાં આવી નથી. આજે સેંકડો ધન્વંન્તરિ રથ અમદાવાદ સહિત કોરોના સંક્રમણની વ્યાપકતા ધરાવતાં શહેરોમાં સામે ચાલીને આમ નાગરિકોની ચકાસણી અને સારવાર આપી રહ્યા છે. તેમણે વિપક્ષ પર પ્રહારો કરતા કહ્યું કે, અમુક રાજકીય વિરોધીઓ દ્વારા સોશિયલ મીડિયા પર કટાક્ષ કવિતાઓ વહેતી મૂકવામાં આવી રહી છે. જે ખરેખર કમનસીબ ગણાય. આ સાથે જ નીતિન પટેલે કહ્યું કે, અત્યારે લોકોની મદદનો સમય છે. ત્યારે આ મહામારીના સમયમાં રાજકારણ રમવાનું બંધ કરો અને માનવતાની સેવામાં યોગદાન આપો.