અમદાવાદ, તા.૯
છેલ્લા ચારેક દિવસથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં દે…ધનાધન… બેટિંગ કર્યા બાદ તેમજ રાજ્યના અનેક સ્થળોએ પણ ધોધમાર વરસ્યા બાદ મંગળવાર સાંજથી રાજ્યભરમાં વરસાદનું જોર ઓછું થયું છે. વળી કચ્છ પર સક્રિય થયેલું વેલમાર્ક લો પ્રેશર સિંધ તરફ ફંટાતા હવે રાજ્યમાં વરસાદનું જોર એકદમ ઘટી જશે ત્યારે આવનાર દિવસોમાં એકાદ સપ્તાહ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદ અથવા તો વરસાદી ઝાપટાં જોવા મળશે.
મંગળવારથી રાજ્યમાં વરસાદનું જોર ઘટયું છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે ગઈકાલે સૌથી વધુ દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે. ત્યારે બુધવારના રોજ સવારથી સાંજ સુધીમાં રાજ્યના ૯૮ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં એક ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે પંચમહાલના જાંબુઘોડામાં ૧૯ મી.મી., ગઢડામાં ૧૭ મી.મી., ધરમપુરમાં ૧પ મી.મી., ભાવનગરના વલ્લભીપુરમાં ૧૪ મી.મી., કચ્છના ભૂજમાં ૧૩ અને ભચાઉમાં ૧ર, વલસાડ અને નવસારીના વાંસદામાં ૧ર-૧ર મી.મી. તેમજ અમદાવાદના બાવળા, દ્વારકા અને નવસારીમાં ૧૧ મી.મી. વરસાદ નોંધાયો છે જ્યારે અમદાવાદ શહેર અને પાટણના સાંતલપુરમાં ૧૦-૧૦ મી.મી. વરસાદ નોંધાયો છે જ્યારે ૩૯ તાલુકાઓમાં પ મી.મી.થી ૯ મી.મી. વચ્ચે વરસાદ નોંધાયો છે આમ વરસાદનું જોર ઘટયું છે. બીજી તરફ ૧૦ જુલાઈથી એકાદ અઠવાડિયા દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીવત હોવાનું હવામાન વિશેષજ્ઞો જણાવી રહ્યા છે. હાલમાં કચ્છ અને તેની આસપાસના વિસ્તારોમાં વેલમાર્ક લો-પ્રેશર સક્રિય છે જે ગુરૂવારથી ક્રમશઃ પાકિસ્તાન અને સિંધ પ્રદેશ તરફ આગળ વધી દરિયામાં નિષ્ક્રિય થઈ જશે જેથી ૧૦ જુલાઈથી એકાદ સપ્તાહ સુધી રાજ્યમાં છૂટા છવાયા વરસાદી ઝાપટાં પડશે પણ ભારે વરસાદ પડવાની શક્યતા નહીંવત છે. બીજી તરફ વરસાદ બંધ થતાં ગરમીમાં સામાન્ય વધારો થયો હતો તો કેટલાક સ્થળોએ ઉકળાટ અને બફારાનો અનુભવ થયો હતો. બુધવારના રોજ રાજ્યમાં છ જેટલા મોટા શહેરોમાં મહત્તમ તાપમાન ૩૪ ડિગ્રીથી વધુ નોંધાયું હતું જ્યારે વરસાદ નથી કે સામાન્ય છે ત્યાં હજુ એકાદ સપ્તાહ જેટલી રાહ જોવી પડશે.