(એજન્સી) નવી દિલ્હી,તા.૧૧
ભારતીય દવા નિયંત્રણે ચામડીના રોગ સોરયાસિસની સારવાર માટે ઉપયોગમાં લેવાતી દવા ઈટોલીઝુમાબને કોવિડ-૧૯ના ઉપચાર હેતુ નિયંત્રિત તાકીદના વપરાશ માટે મંજૂરી આપી હતી. મધ્યમથી તીવ્ર શ્વાસની તકલીફ માટે આ દવાનો ઉપયોગ કરી શકાશે. એમ અધિકારીઓએ જણાવ્યું હતું. કોવિડ-૧૯ની કોઈ દવા નહીં શોધાઈ હોવાનું ધ્યાનમાં રાખી ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાના ડોકટર વી.જી. સોમાણીએ માનોકલોનલ એન્ટીબોડી ઈન્જેકશન ઈટોલીઝુમાબને મંજૂરી આપી હતી. આ અગાઉ નિયંત્રિત તાકીદના વપરાશ માટે બાયોકોન દવાને મંજૂરી આપવામાં આવી હતી. કોરોના વાયરસને કારણે મધ્યથી તીવ્ર શ્વસન તકલીફ સિન્ડ્રોમના દર્દીઓમાં સાયટોકીન રીલીઝ સિન્ડ્રોમની સારવાર માટે આ દવા આપવામાં આવે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, એઈમ્સના શ્વાસના રોગોના નિષ્ણાત ડોકટર, ફાર્માકોલોજિસ્ટ અને મેડિસીન નિષ્ણાતોની રચેલી કમિટી દ્વારા ભારતમાં કોવિડ-૧૯ના દર્દીઓ પર કરવામાં આવેલા તબીબી પરિક્ષણ બાદ આ મંજૂરી આપવામાં આવી હતી. છેલ્લા ઘણા વર્ષોથી સોરયાસિસની સારવાર માટે બિઓકોનની દવાને મંજૂરી અપાઈ હતી. જો કે આ દવાના ઉપયોગ પહેલા દરેક દર્દીએ લેખિતમાં જાણ કરી મંજૂરી મેળવવી પડશે.