(એજન્સી) મુંબઇ, તા. ૧૧
એનસીપીના પ્રમુખ શરદ પવારે શિવસેનાના મુખપત્ર સામનામાં આપેલા ઇન્ટરવ્યૂમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી છે. ભાજપ નિશાન સાધતા તેમણે કહ્યું કે, રાજનેતાઓએ મતદારોની મહોર પોતે જ ના મારવી જોઇએ કારણ કે, ઇન્દિરા ગાંધી અને અટલબિહારી વાજપેયી જેવા શક્તિશાળી નેતાઓ પણ ચૂંટણીઓમાં હારી ગયા હતા. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસની ટીકા કરતા તેમણે કહ્યું કે, વિધાનસભા ચૂંટણીઓ પહેલા તેઓ કહેતા હતા કે હું ફરી આવીશ પણ મતદારોએ તેમને અભિમાનનો પાઠ ભણાવી દીધો છે. તેમણે કહ્યું કે, શિવસેના-એનસીપી અને કોંગ્રેસની મહારાષ્ટ્ર સરકારની અંદર કોઇ અંતર નથી. સામનાને ત્રણ ભાગમાં આપેલા મેરેથોન ઇન્ટરવ્યૂના પ્રથમ ભાગમાં તેમણે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની હાર વિશે કહ્યું કે, લોકશાહીમાં તમે એમ ના કહી શકો કે તમે ફરીવાર સત્તામાં ટકી રહેશો. પોતે કોઇ મનમાની કરે તો મતદારો ચલાવી લેતા નથી. ઇન્દિરા ગાંધી અને અટલબિહારી વાજયેપી જેવા નેતાઓ પણ હારી ગયા હતા. આ લોકશાહીની વાત છે અને સામાન્ય વ્યક્તિ જ તેમના નેતા પસંદ કરે છે. જો અમે રાજનેતાઓ અમારી મર્યાદા ઓળંગિએ તો તેઓ પાઠ ભણાવે છે. તેથી લોકોને એ ના સમજાવવું જોઇએ કે, તેઓ સત્તામાં પરત આવશે. તેમણે ઉમેર્યું કે, મહારાષ્ટ્ર સરકારમાં ફેરફાર કોઇ આસક્મિક નથી. રાષ્ટ્રીય ચૂંટણીઓમાં દેશમાં લોકોની લાગણીને આધારે મહારાષ્ટ્રમાં મતદાન થયું. પરંતુ વિધાનસભા ચૂંટણીમાં લોકોનો અભિગમ બદલાઇ ગયો. લોકસભામાં સારૂં પ્રદર્શન કરનાર ભાજપ વિવિધ રાજ્યોમાં ખરાબ રીતે હાર્યો છે. મહારાષ્ટ્રના લોકોએ પણ પરિવર્તન માટે મતદાન કર્યું.