(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧૩
રાજ્યના ઉદ્યોગોને મુખ્યમંત્રી રૂપાણીએ ક્વોલિટી-માર્કેટીંગ-પ્રાઈસીંગમાં વિશ્વના ઉદ્યોગોને બીટ કરી ‘મેઈક ઈન ઈન્ડિયા’ની બ્રાન્ડ ઈમેજ ઊભી કરે તેવું આહ્વાન આજે કર્યું હતું. તેમણે આ સાથે ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ સાથે પર્યાવરણ જાળવણીને અગ્રતા આપવામાં આવી હોવાનું જણાવતા કહ્યું કે, રાજ્ય સરકારની સ્પષ્ટ નીતિ-ટ્રાન્સપરન્સી સાથે રાજ્યમાં ઉદ્યોગોને મોકળું વાતાવરણ મળે છે. મોરબીની છત્તર-મીતાણા જીઆઈડીસીમાં ૧ર૭ એમએસએમઈને પ્લોટ ફાળવણીનો ગાંધીનગરથી ડ્રો કરતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાતમાં ઉદ્યોગો માટે મુક્ત વાતાવરણ અને સરકારનો સૌથી ઓછો હસ્તક્ષેપ છે ત્યારે આવનારા સમયમાં રાજ્યની જીઆઈડીસીમાં અનુકૂળ વાતાવરણથી બધા જ પ્લોટ્સ- બધી જ વસાહત ઉત્પાદનથી ધમધમતી થાય અને લાખો લોકોને રોજી-રોટી મળતી થાય તેવી આ સરકારની સ્પષ્ટ નેમ છે. તેમણે ભરૂચ જિલ્લાના દહેજ અને સાયખા ઔદ્યોગિક વસાહતોમાં ઉદ્યોગોના પ્રદૂષિત-ગંદા પાણીના શુદ્ધિકરણ અને નિકાલ માટેના ૪૦ એમએલડીના બે સીઈટીપી પ્લાન્ટસના લોકાર્પણ પણ કર્યા હતા. કેન્દ્ર સરકારે જાહેર કરેલા એફડીઆઈના રોકાણ આંકડા મુજબ ગુજરાતમાં ર૪૦ ટકાનો વધારો થયો છે અને ગુજરાતનો બેરોજગારી દર ૩.૪ ટકા એટલે કે, સમગ્ર દેશમાં સૌથી ઓછો છે. ગુજરાત ઉત્પાદન ક્ષેત્રે પણ નંબર વન રાજ્ય છે. મુખ્યમંત્રીએ જીઆઈડીસીની માળખાકીય સુવિધાઓને કારણે ઉદ્યોગકારોનો વિકાસ થાય છે, સાથોસાથ પ્લગ એન્ડ પ્રોડ્યુસ, આત્મનિર્ભર ગુજરાત પેકેજ અંતર્ગત ૪પ૮ કરોડ રૂપિયાની વિવિધ રાહતોથી સરકારે કોરોનાના કપરા સમયમાં ઉદ્યોગકારોને બોટલ નેક્સ દૂર કરી વધુને વધુ ઉદ્યોગો શરૂ કરવા આકર્ષિત કર્યા છે તેની પણ વિશદ છણાવટ કરી હતી. રાજ્યમાં ર૧૭ જીઆઈડીસીમાં ૬૦ હજાર જેટલા ઉદ્યોગો ૧૮ લાખથી વધુ લોકોને પ્રત્યક્ષ રોજગારી પૂરી પાડી રહ્યા છે અને ગુજરાત માથાદીઠ આવકમાં પણ વૃદ્ધિ કરી રહ્યું છે તેમ તેમણે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, કોરોના સંક્રમણ વચ્ચે અનલોક કર્યું છે, તેમાં પ્રજાજનો, નાગરિકોના સહયોગથી વેપાર-ઉદ્યોગ-ધંધા જેવી રોજિંદી પ્રવૃત્તિઓ ધમધમતી થઈ છે.