વડોદરા, તા.૧૪
છેલ્લા ૩ વર્ષથી બેઘર બનેલા અને મકાન માટે આંદોલન કરી રહેલા સંજયનગરના વિસ્થાપિતો આજે મોરચો લઈને વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીમાં ગયા હતા. રહીશોએ જિલ્લા કલેકટરને પ્રધાનમંત્રી આવાસ યોજનાવાળા રૂપિયા ૧ર લાખની કિંમતવાળા ૬૦૦ સ્કે.ફૂટ બાંધકામવાળા મકાન આપવાની રજૂઆત કરી હતી. જો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો પ દિવસ બાદ પગપાળા ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીને મળવા જવાની ચીમકી રહીશોએ ઉચ્ચારી છે.
સંજયનગર ઝૂંપડપટ્ટીની આંદોલન સમિતિના મહિલા પ્રમુખ સીમાબહેન રાઠોડે જણાવ્યું હતું કે સંજયનગર ઝૂંપડપટ્ટી દૂર કર્યાને ૩ વર્ષનો સમય થઈ ગયો છે, પરંતુ હજી સુધી મકાનો આપવામાં આવ્યા નથી. પરિણામે અમારે આંદોલન કરવાની ફરજ પડી રહી છે. આંદોલનને જોઈ તંત્ર દ્વારા ભાડું આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે. સાથે માત્ર દેખાડા માટે ર જેસીબી મૂકીને કામ ચાલુ કરાવ્યું હોવાનો આક્ષેપ કર્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સંજયનગરની ૧૬ લાખ સ્કે. ફૂટની જગ્યામાંથી એક ટુકડા જમીનમાં ૩રપ સ્ક્વેર ફૂટ જગ્યાએ ઈન્દિરા ગાંધીએ મફતમાં આપી હતી. તે જગ્યાએ ભાજપે રહીશોને મકાન આપવાની લાલચો આપી છીનવી લઈને બિલ્ડરોને ફાયદો કરાવવા માટે આપી દીધી છે. અમોને ૧૬ લાખ સ્કૂ.ફૂટ જગ્યામાં મકાન બાંધી આપવાની વાત છે. પરંતુ અમારે રૂપિયા ૧ર લાખની કિંમતવાળા ૬૦૦ સ્કે.ફૂટ જગ્યામાં પ્રધાનમંત્રી આવાસ યોજના જેવા મકાનો આપવાની માંગ છે. જો અમારી માંગ પૂરી નહીં કરવામાં આવે તો અમે બાંધકામ થવા દઈશું નહીં અને તમામ રહીશો આંદોલનમાં જોડાઈ જશે. તેમણે જણાવ્યું હતું કે અમારી માગણી પૂરી કરવામાં નહીં આવે તો આગામી પ દિવસ બાદ દાંડીયાત્રાની જેમ સંજયનગરના વિસ્થાપિતો પગપાળા ગાંધીનગર મુખ્યમંત્રીને રજૂઆત કરવા જવાનું નક્કી કરવામાં આવ્યું છે. હવે જ્યાં સુધી અમારા તમામ પ્રશ્નો અને માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.