Site icon Gujarat Today

કરજણના પૂર્વ ધારાસભ્ય સતીષ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા.૧૪
વડોદરા જિલ્લાના કરજણના પૂર્વ ધારાસભ્ય સતિષ પટેલ (નિશાળીયા)નો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, હાલ તેઓ વડોદરા શહેરના માજલપુર વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જો કે પાંચ દિવસ પહેલાં જ કરજણ ખાતે મળેલી કરજણ પેટાચૂંટણીની સંકલન બેઠકમાં તેઓ રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને મળ્યા હતા.
વડોદરા જિલ્લાના કરજણ ખાતે ૯ જુલાઈના રોજ કરજણ વિધાનસભા પેટાચૂંટણીના ભાજપના ઈન્ચાર્જ અને રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, સહ ઈન્ચાર્જ અને ભાજપના પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ અને પ્રદેશ પ્રવક્તા અને વડોદરા જિલ્લા પ્રભારી ભરત પંડ્યાની હાજરીમાં બેઠક મળી હતી. જેમાં પૂર્વ ધારાસભ્ય સતિષ પટેલ હાજર રહ્યા હતા. તેઓએ ગૃહમંત્રીનું સ્વાગત પણ કર્યું હતું, ત્યારબાદ હવે સતિષ પટેલનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને પગલે ભાજપના નેતાઓમાં ચિંતા જોવા મળી રહી છે.

Exit mobile version