(એજન્સી) નવી દિલ્હી, તા.૧૪
છેલ્લા ૨૪ કલાકમાં રાજસ્થાનમાં રાજકીય સ્થિતિમાં સંપૂર્ણ પલ્ટો આવી ગયો છે. ગઈકાલે મજૂબત સ્થિતિમાં દેખાતા અશોક ગેહલોત સામે મોટો પડકાર આકાર પામ્યો છે. જો કે તેમની માટે એક રાહતના સમાચાર છે કે સચિન પાયલટ પાસે સરકાર રચવા પૂરતા ધારાસભ્યો નથી, એમ એક અહેવાલમાં જણાવાયું હતું. અશોક ગેહલોત પાસે ૧૦૪ ધારાસભ્યોનું સમર્થન હોવાનું જાણવા મળ્યું છે. તેમણે રાજયપાલ સાથે મુલાકાત પણ કરી હતી.
રાજસ્થાનના રાજકારણ સાથે જોડાયેલા ૧૦ મોટા સમાચારોઃ
૧. જો સચિન પાયલોટ ભાજપ સાથે છે તો શું રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે અને અન્ય એક નેતા ગજેન્દ્ર સિંહ શેખાવત તેનો સ્વીકાર કરશે.
૨. સચિન પાયલટ કોંગ્રેસથી એટલા માટે અલગ થઈ રહ્યા છે કેમ કે, તેમને એવું લાગે છે કે રાજય સરકારમાં તેમને મહત્ત્વ નથી અપાતું અને વાત હવે તેમના સન્માનની આવી ગઇ છે.
૩. સૂત્રોના જણાવ્યા મુજબ વસુંધરા રાજે કહી ચૂકયા છે કે જો સચિન પાયલટ ભાજપમાં આવશે તો તેમને કેન્દ્રના રાજકરણમાં જવું પડશે.
૪. હકીકતમાં સચિન પાયલટ ભાજપમાં જોડાવા હોવાની અટકળો વચ્ચે ઘણાં ગુર્જર નેતાઓ પોતાની સ્થિતિનું આકલન કરી રહ્યા છે.
૫. આ વચ્ચે કોંગ્રેસે આજે એક મોટો નિર્ણય કરતા સચિન પાયલટને રાજયના ઉપ મુખ્યમંત્રી અને પ્રમુખ પદેથી હાંકી કાઢયા છે.
૬. ઉપરાંત વિશ્વેન્દ્ર સિંહ અને રમેશ મીણાને પણ મંત્રીપદેથી દૂર કરવામાં આવ્યા છે.
૭. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું હતું કે સચિન પાયલટ ભાજપના કાવતરાનો ભોગ બન્યા છે.
૮. બીજી તરફ ભાજપે પણ કોૅગ્રેસમાં જારી ઘમાસાણ પર નજર રાખી છે અને તેઓ પાયલટના આગામી પગલાંની રાહ જોઇ રહ્યા છે.
૯. ભાજપે પણ ફ્લોર ટેસ્ટની માંગ કરી છે અને જણાવ્યું હતું કે આજ અંતિમ રસ્તો છે.
૧૦. ભાજપનું માનવું છે કે સચિન પાયલોટ ૧૦ ટકા ગુર્જર અને ૯ ટકા મીણા મતોને અસર કરે છે, તેમના ભાજપ પ્રવેશથી પાર્ટીને ચોક્કસ ફાયદો થશે.