(એજન્સી) નવી દિલ્હી, તા.૧૪
દેશમાં કોરોના વાયરસ અટકવાનો નામ નથી લઈ રહ્યો, શરૂઆતમાં ચીનથી શરૂ થયેલી જીવલેણ વાયરસે ભારે તબાહી મચાવી હતી અને અમેરિકા, ઈટાલી અને ફ્રાન્સ જેવા દેશોને કોરોના વાયરસે ઘૂંટણીયે પાડી દીધા હતા. એ વખતે ભારતમાં કોરોના કેસો ખૂૂબ જ ઓછા આવી રહ્યા હતા અને સરકારે પણ વાયરસને ગંભીરતાથી લીધો ન હતો અને સાથ જનતા પણ ગેલમાં આવી લોકડાઉનમાં આપણા માનનીય વડાપ્રધાનનાં આપેલા ટાસ્કો પુરા કરી રહી હતી. પરંતુ હવે આખો દેશ કોરોના પ્રવેશ્યાનાં ચાર મહિના બાદ શરૂઆતની કરેલી ભૂલો પર પછતાવી રહ્યો છે હાલની પરિસ્થિતી કોરોનાને લઈ ખૂબ જ વિકટ થઈ ગયી છે.
દેશમાં કોરોના કેસો માત્ર ચાર દિવસમાં એક લાખ જેટલા વધી રહ્યા છે અને શરૂઆતમાં પાંચ-છ હજાર કેસો હાલની પરિસ્થિતિમાં ૨૮-૨૯ હજાર પર પહોચી ચૂૂકી છે. એક દિવસમાં કોરોનાથી મોત પણ ૫૦૦થી વધુ થઈ રહ્યા છે. જોે કે, રિકવરી રેટમાં સુધારો થઈ રહ્યો છે પરંતુ રોજનાં કેસોની સંખ્યામાં અવિરતપણે વધારો થઈ રહ્યો છે. જે હવે દેશમાં ચિંતાનું કારણ છે. હાલમાં કોરોના વધતાં કેસોની વચ્ચે દેશમાં અલગ અલગ રાજ્યો ફરી લોકડાઉન લગાવી રહ્યા છે.
વૈશ્વિક સ્તર પર કોરોના મહામારીની સ્થિતિ બગડી રહી હોવાના વિશ્વ આરોગ્ય સંસ્થાની ચેતવણી વચ્ચે સોમવારે કોરોનાના કેસો ૨૮ હજારની ઉપર નોંધાયા છે અને તેની સાથે જ કેસોની સંખ્યા ૯ લાખને પાર કરી ગઇ છે. જો આ જ રીતે કેસો વધશે તે આગામી ત્રણ જ દિવસમાં કેસોની સંખ્યા દસ લાખ સુધી પહોંચી શકે તેમ છે. દેશમાં કોરોના કુલ એક્ટિવ કેસોનાં ૮૬ ટકા કેસો ૧૦ રાજ્યોના છે. સ્વાસ્થ્ય મંત્રાલયે તેની જાણકારીમાં જણાવ્યું છે. મંગળવારે સવારે છેલ્લાં ૨૪ કલાકમાં નોંધાયેલા નવા ૨૮,૪૯૮ કેસો સામે આવ્યાં હતા.આ જ સમયગાળામાં વધુ ૫૪૦ લોકોના મોત થયા છે. ૧૮ હજાર જેટલા દર્દીઓ સાજા પણ થયા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસો નોંધાયા છે. તો બીજી તરફ ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ ૬૩.૦૨ ટકા સુધી પહોંચી ગયો છે. જે એક સારી બાબત તરીકે જોવામાં આવી રહ્યું છે. ૨૧ રાજ્યમાં દર્દીઓને સાજા થવામાં ગતિ આવી છે. દેશમાં અત્યાર સુધીમાં ૯ લાખ છ હજાર ૭૫૨ લોકો કોરોના પોઝિટિવ છે. જોકે ૫ લાખ ૭૧ હજાર ૪૫૯ લોકો સાજા પણ થયા છે. જ્યારે ૩ લાખ ૧૧ હજાર ૫૬૫ લોકોની સારવાર ચાલી રહી છે. વધુ ૫૫૩ના મોત સાથે કુલ ૨૩ હજાર ૭૨૭ લોકોએ સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો છે.
મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કર્ણાટક, યુપીના શહેરોમાં ફરીથી લોકડાઉન
દેશમાં કોરોનાના કેસ નવ લાખની ઉપર પહોંચી ચુક્યા છે. દેશના વિવિધ રાજ્યોના ઘણા શહેરોમાં ફરીથી લોકડાઉન લાગુ થયું છે. કોરોનાની ચેઈન તોડવાનો આ એક માત્ર ઉપાય હોવાનું માનવામાં આવી રહ્યું છે. મહારાષ્ટ્રના પુણે અને પિંપરી-ચિંચવાડમાં રાતથી ૧૦ દિવસનું લોકડાઉન શરૂ થઈ ગયું છે. પુણેમાં ૧૪ જુલાઈથી ૨૩ જુલાઈ સુધી લોકડાઉન લાગુ રહેશે. મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં એક જ દિવસમાં ૧૯૧ કેસ આવતા સાંજે સાત વાગ્યાથી એક સપ્તાહ સુધી સંપૂર્ણ લોકડાઉન લાદવામાં આવશે.કર્ણાટકના બેંગલુરુ શહેર અને ગ્રામ્ય સહિત દક્ષિણ કર્ણાટકમાં એક સપ્તાહનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન જરૂરી સેવાઓને બાદ કરતાં તમામ વસ્તુઓ બંધ રહેશે. નિયમનો ભંગ કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉત્તરપ્રદેશમાં દર શનિવાર અને રવિવારે લોકડાઉન લાગુ રહેશે. વારાણસીમાં સોમવારથી શુક્રવાર એમ પાંચ દિવસ સુધી અડધા દિવસનું લોકડાઉન લાગુ કરવામાં આવી રહ્યું છે. સાંજે ચાર વાગ્યાથી લોકડાઉન અમલી બનશે. દેશના જે પણ શહેરોમાં લોકડાઉન છે ત્યાં હોસ્પિટલ, કરિયાણા, દૂધ, શાકભાજી, દવા જેવી જીવન જરૂરી વસ્તુઓ મળી રહેશે. તે સિવાય કોઈપણ પ્રકારની વસ્તુઓ કે પરિવહનને મંજૂરી નહીં આપવામાં આવે.
અઠવાડિયામાં કોરોનાના કેસ ૧૦ લાખને પાર પહોંચી જશે : રાહુલ
દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં દરરોજ ૨૫,૦૦૦થી વધારે કેસ સામે આવી રહ્યા છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સરકાર પર આ મામલે સવાલ ઉભા કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ મંગફ્રવારે ટ્વીટ કરીને કોરોનાના આંકડાને લઈને ભવિષ્યવાણી કરી છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે, આ અઠવાડિયામાં આપણા દેશમાં કોરોના વાયરસના કેસની સંખ્યા ૧૦,૦૦,૦૦૦ને પાર થઈ જશે. નોંધનીય છે કે, સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા ૯ લાખને પાર પહોંચી ગઈ છે. રાહુલ ગાંધીએ સરકારને સવાલ કર્યો છે કે, શું કોવિડ-૧૯ વિરુદ્ધની લડતમાં ભારત સારી સ્થિતિમાં છે. તેમણે ટ્વીટમાં એક ગ્રાફ પણ શેર કર્યો છે. જેમાં ભારતમાં કોરોના વાયરસના વધી રહેલા કેસની તુલના દુનિયાના અન્ય દેશની સાથે કરવામાં આવી છે.