અમદાવાદ, તા.૧૪
રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે સામાન્યથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે મંગળવારના રોજ સવારના ૬થી સાંજના ૬ સુધીમાં રાજ્યના ૭૮ તાલુકાઓમાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ વરસાદ નવસારીના જલાલપોરમાં નોંધાયો છે. જલાલપોરમાં ૧૦૪ મીમી, નવસારીમાં ૭૧ મીમી, સુરતના ચોર્યાસીમાં ૬૯ મીમી, બોટાદમાં ૬૧ મીમી, વલસાડમાં પપ મીમી અને પારડીમાં પ૪ મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે કપડવંજમાં માત્ર બે કલાકમાં ર.૧ ઈંચ વરસાદ ખાબક્યો છે આ લખાઈ રહ્યું છે ત્યારે રાજ્યમાં અનેક સ્થળોએ વરસાદ વરસી રહ્યાના અહેવાલો સાંપડ્યા છે. જ્યારે છેલ્લા ર૪ કલાકની વાત કરીએ તો રાજ્યમાં ૧૭૯ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢના વંથલી અને ગીર-સોમનાથના ગીરગઢડામાં ૪-૪ ઈંચ વરસાદ થયો છે. જ્યારે સુરતમાં ૮૩ મીમી, જૂનાગઢમાં પ૯ મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે દક્ષિણ ગુજરાતના ૩૧ તાલુકાઓમાં વરસાદ થયો છે જેમાં સૌથી વધુ ૪ ઈંચ કરતા વધુવરસાદ જલાલપોરમાં નોંધાયો છે. દક્ષિણ ગુજરાતના ચાર તાલુકાઓમાં બે ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે આવતીકાલે સૌરાષ્ટ્ર, કચ્છ, દીવ-દમણમાં ૪૦ કિ.મી. ઝડપે પવનની સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં પણ આગામી દિવસોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. ૧૬થી ૧૮ જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, સુરત, ડાંગ, સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર અને જૂનાગઢ તેમજ વડોદરા અને ભરૂચમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી સાચી પડે તો આગામી ચાર દિવસ રાજ્યમાં જોરદાર વરસાદી માહોલ જોવા મળશે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં ગુજરાતમાં ૩૩ ટકા વરસાદ નોંધાયો છે. જો કે, સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતને બાદ અનેક સ્થળોએ ધોધમાર વરસાદની રાહ જોવાઈ રહી છે.