અમદાવાદ, તા.૧૪
કચ્છના એક દર્દીને છાતીના ભાગમાં અસહ્ય દુખાવો થતો હતો. જેના નિદાન માટે ૧ર જેટલી ખાનગી હોસ્પિટલોમાં તપાસ કરાવી પણ કોઈ ઉકેલ આવ્યો નહીં. ત્યારે આશા ગુમાવી ચૂકેલા દર્દીએ અમદાવાદ સિવિલ સ્થિત કેન્સર હોસ્પિટલમાં સારવાર કરાવી તો ડોક્ટરોની ૬ કલાકની ભારે જહેમત બાદ સ્ટરનમ ટ્યુમરની જટીલ સર્જરી સફળતાપૂર્વક પાર પડી હતી. જેના લીધે દર્દીને અસહ્ય દુખાવામાંથી મુક્તિ સાથે નવજીવન મળ્યું છે.
સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી જી.સી.આર.આઈ હોસ્પિટલ ખાતે દરરોજ અનેક દર્દીઓના જટીલ ઓપરેશન કરવામાં આવે છે. પ્રવર્તમાન સ્થિતિમાં કોરોના વાયરસને લીધે દર્દીના ઓપરેશન ડૉક્ટર્સ માટે વધુ જટીલ બની રહ્યા છે. આવા જ એક કિસ્સામાં કચ્છના ૫૦ વર્ષીય દિલિપસિંહ પરમારની કેન્સર હોસ્પિટલમાં સ્ટરનમ ટ્યુમરની જટીલ સર્જરી કરવામાં આવી. કેન્સર હોસ્પિટલના ડૉક્ટર્સની સતત ૬ કલાકની મહેનતથી દિલિપસિંહની સર્જરી સફળતાપૂર્વક થઇ અને તેમને નવજીવન મળ્યુ છે. આ પ્રકારની સર્જરી મેડીકલ જગતમાં ખૂબ જ ઓછી જોવા મળે છે. કચ્છના દિલિપસિંહને છેલ્લા એક વર્ષથી છાતીના ભાગમાં અસહ્ય દુખાવો થઈ રહ્યો હતો. જે કારણોસર ૧૨ જેટલી ખાનગી હોસ્પિટલમાં નિદાનની ઉમ્મીદ સેવીને સારવાર માટે તપાસ કરાવી પરંતુ દરેક જગ્યાએથી નાઉમેદી જ હાથે વળગી. છેલ્લે અમદાવાદ સિવિલ સ્થિત કેન્સર હોસ્પિટલમાં સારવાર કરાવવાનો મક્કમ નિર્ધાર કરી હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા કેન્સર હોસ્પિટલના તબીબો પર મુકેલો વિશ્વાસ પણ એળે ન ગયો. તબીબોના ૬ કલાકના અથાગ પ્રયત્નો બાદ એક વર્ષથી પીડાતા દિલિપસિંહને અંતે અસહ્ય પીડામાંથી મુક્તિ મળી.
સમગ્ર કેસની વિગતો જણાવતા જી.સી.આર.આઇ.ના સર્જીકલ ઓન્કોલોજી ડિપાર્ટમેન્ટના એસોસીએટ પ્રોફેસર ડૉ. મોહિત શર્માએ જણાવ્યું હતું કે, દિલીપસિંહને સ્ટરનમ ટ્યુમર એટલે કે છાતીના ભાગમાં ૩૦ ઘન સેન્ટીમીટર જેટલી કેન્સરની ગાંઠ હતી. સ્ટરનમ એટલે છાતીના વચ્ચેના ભાગમાં આવેલું હાડકુ જ્યાં થયેલા ટ્યુમરને મેડીકલ ભાષામાં કોન્ડોસાર્કોમા તરીકે ઓળખવામાં આવે છે. આ હાડકુ શરીરના હૃદય અને ફેફસાની વચ્ચેના ભાગમાં આવેલુ હોવાના કારણે સર્જરી ખૂબ જ જટીલ બની રહે છે.
આ ઓપરેશનમાં ટ્યુમર નિકાળ્યા બાદ પૂર્વવત કરવામાં સૌથી વધારે મુશ્કેલી પડે છે. જેના કારણોસર દર્દીને તકલીફ ન પડે તે માટે આ ઓપરેશનમાં ટાઈટેનિમ મેસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ટાઈટેનિમ મેસની વિશેષ વાત એ છે કે, તેનાથી દર્દીને ભારેપણું લાગતું નથી. હદય અને ફેફસાંના ભાગને નુકસાન ન જાય એ રીતે રાખવામાં આવ્યું છે. આમ કેન્સર હોસ્પિટલમાં ડૉ. મોહિત શર્માના માર્ગદર્શન હેઠળ કેન્સર સર્જન અને એનેસ્થેસિયોલોજિસ્ટ્સએ સાથે મળીને અથાગ પ્રયત્ન દ્વારા અતિ જટિલ સર્જરીનું બીડુ ઝડપ્યું. જેને આ ટીમે પડકારરૂપ આવકારી હકારાત્મક પરિણામમાં પરીણમ્યુ. દર્દી દિલિપસિંહ કહે છે કે કેન્સર હોસ્પિટલના ડૉક્ટર્સ, પેરા-મેડિકલ સ્ટાફ અને અન્ય સ્ટાફ દ્વારા મારી યોગ્ય સારવાર કરવામાં આવી હું હંમેશાંને માટે તેમનો ઋણી રહીશ. ખાનગી હોસ્પિટલમાં આ ઓપરેશન માટે ૫ લાખ રૂપિયા ખર્ચ જણાવવામાં આવ્યો હતો પરંતુ રાજ્ય સરકારની મા યોજનાને પરિણામે તદ્દન નિઃશુલ્કપણે મારૂં ઓપરેશન કરવામાં આવ્યું છે.