જૂનાગઢ, તા.૧પ
જૂનાગઢ શહેરના જોષીપરા વિસ્તારમાં ગત મોડી રાત્રે સામાન્ય બાબતે બખેડો થતાં એક યુવાનની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યાનો બનાવ બનવા પામ્યો છે. આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ જોષીપરાના નંદનવન મેઈન રોડ વિસ્તારમાં રહેતા પિતરાઈ ભાઈઓ તૌફીક અલીભાઈ ચોટીયારા (ઉ.વ.ર૯) અને રીઝવાન હસન ચોટીયારાની સાથે રાત્રે બે વાગ્યે દારૂની બોટલના પ્રશ્ને માથાકૂટ થઈ હતી. પસંદગીની દારૂની બોટલને બદલે બીજી બોટલ આવતાં રીઝવાન ચોટીયારા ઉશ્કેરાઈ ગયો હતો અને છરીનો એક જ ઘા તૌફીક ચોટીયારાને છાતીના ભાગે ઝીંકી દેતા તે લોહીલુહાણ થઈ ગયો હતો. દારૂની બોટલને લઈને રીઝવાન ચોટીયારાને તેના પિતરાઈ ભાઈ તૌફીક ચોટીયારાની હત્યા કરી નાંખતા સનસનાટી મચી જવા પામી હતી. આ બનાવ અંગે મૃતકના પિતા અલીભાઈ ઉંમરભાઈ ચોટીયારાની ફરિયાદના આધારે પોલીસે આરોપી વિરૂદ્ધ કલમ ૩૦ર અંતર્ગત ગુનો દાખલ કરેલ છે અને આરોપી રિઝવાન ચોટીયારાની ધરપકડ કરી છે. આ બનાવની વધુ તપાસ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પી.આઈ. આર.બી. સોલંકી ચલાવી રહ્યા છે.