Site icon Gujarat Today

અરવલ્લીમાં કોરોનાનો કહેર યથાવત્‌ : વધુ ૭ કેસ નોંધાયા

બાયડ-મેઘરજ તાલુકામાં ૩-૩ કેસ

(સંવાદદાતા દ્વારા)
મોડાસા, તા.ર૪
અરવલ્લી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે ત્યારે શુક્રવારના રોજ વધુ ૭ નવા પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક ૩૦૦ને પાર કરી ૩૧૨ પર પહોંચ્યો છે. શુક્રવારના રોજ અરવલ્લી જિલ્લાના બાયડ અને મેઘરજ તાલુકામાં ૩-૩ અને મોડાસા શહેરમાંથી ૧ કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા છે. જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ગ્રામ્ય વિસ્તારોમાં પ્રસરતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. મેઘરજ નગરના ગેસ્ટ હાઉસ રોડ પર રહેતા ૫૦ વર્ષીય આધેડ, રામનગર સોસાયટીમાં રહેતો ૩૨ વર્ષીય યુવક અને નવજીવન સોસાયટીમાં રહેતા ૬૩ વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બાયડ તાલુકાના સાઠંબા ગામની ૩૮ વર્ષીય મહિલા, ચોઈલા અને પેંટરપુરા ગામના વૃદ્ધ કોરોનાગ્રસ્ત બન્યા હતા. તમામ કોરોના પોઝિટિવ દર્દીઓને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરી સઘન સારવાર હાથ ધરી હતી. આજે વિવિધ સ્થળોએથી કોરોનાના પોઝિટિવ કેસો નોંધાતા સ્થાનિક પાલિકા તંત્ર, પંચાયત તેમજ આરોગ્યતંત્રની ટીમો જે-તે વિસ્તારમાં પહોંચી ગઈ હતી અને કોરોનાગ્રસ્ત દર્દીઓના પરિવારજનોને ક્વોરન્ટાઈન કરી તબીબી પરીક્ષણ હાથ ધરી સમગ્ર વિસ્તારને સેનિટાઈઝ કરવાની કામગીરી હાથ ધરી હતી.

Exit mobile version