મોડાસા, તા.ર૪
મોડાસા શહેરના કુંભારવાડામાં રહેતી ફાલ્ગુનીબેન હીરાભાઈ પ્રજાપતિ અને સોહાના નામની બંને યુવતીઓને હાલ અમદાવાદ ખાતે રહેતા જીતેન્દ્ર ચંદુ પટેલે સચિવાલયમાં કલાર્કની નોકરી આપવાની લાલચ આપી છેતરપિંડી કરી હતી. ફાલ્ગુનીબેનને ધુ્રપાબેન સાથે મિત્રતા થઈ હતી અને તેઓએ કહ્યું હતું કે, સ્ટાફમાં નોકરી કરતા શિક્ષકના ઓળખીતા જીતેન્દ્ર ચંદુલાલ પટેલ સચિવાલયમા ડેપ્યુટી ડી.ડી.ઓ. તરીકે નોકરી કરે છે અને તેઓ મારા પણ પરિચયમાં છે જેથી તેઓએ કહેલ કે ગાંધીનગર સચિવાલયમાં કલાર્કની ભરતી થવાની છે. મોડાસાની આ બંને યુવતીઓ નોકરી માટે લલચાઈ હતી અને સચિવાલયમાં કલાર્કની નોકરી માટે ફાલ્ગુનીબેને રૂા.૬,૫૫,૫૦૦/- અને સોહાનાએ રૂા.૪,૦૫,૫૦૦/- મળી કુલ ૧૦,૬૧,૦૦૦/- રૂપિયા તબક્કાવાર જીતેન્દ્ર પટેલને આપ્યા હતા. પરંતુ દોઢ વર્ષ જેટલો સમયગાળો થયો છતાં નોકરીના કોઈ ઓર્ડર ન મળતાં પોતે છેતરાયા હોવાનું માલુમ પડ્યું હતું. સચિવાલયમાં ડેપ્યુટી ડી.ડી.ઓ. તરીકેના અધિકારીની ખોટી ઓળખ આપી વિશ્વાસમાં લઈ ફાલ્ગુનીબેન તથા સોહાનાને સચિવાલયમાં કલાર્કની નોકરી આપવાની લાલચ આપી રૂા.૧૦.૬૧ લાખની ઠગાઈ કરી નોકરીના કોઈ ઓર્ડર આપેલ નહીં અને રૂપિયા પણ પરત ન કરતાં આ અંગે ફાલ્ગુનીબેન પ્રજાપતિએ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં આરોપી જીતેન્દ્ર પટેલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.