(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા.ર૮
કોરોના મહામારી દરમિયાન રેલવે દ્વારા ચલાવવામાં આવી રહેલી ર૩૦ સ્પેશિયલ ટ્રેન માટે રેલવે ટિકિટ ઉપર ક્યુ આર કોડ શરૂ કરવામાં આવ્યો છે. જેથી મુસાફરના સંપર્કમાં આવ્યા વગર ટિકિટનું ચેકિંગ થઈ શકશે. વડોદરા રેલવે ડિવિઝનના વડોદરા રેલવે સ્ટેશન ખાતે આ સુવિધા શરૂ કરવામાં આવી છે. રેલવેમાં ઓનલાઈન બુકિંગ કરાવનાર પોતાની ટિકિટ મોબાઈલમાં બતાવી શકે છે. પરંતુ રેલવે સ્ટેશનની ટિકિટ વિન્ડોની ફિઝિકલ ટિકિટ લેનાર રેલવે સ્ટેશન પર કે ટ્રેનમાં ટિકિટ ચેકરના સીધા સંપર્કમાં આવે છે જેથી રેલવે દ્વારા નવી સુવિધા શરૂ કરવામાં આવી છે. નોર્ધન રેલવેમાં આ સુવિધાનો સફળ પ્રયોગ કર્યા બાદ વેસ્ટર્ન રેલવે દ્વારા પણ અમદાવાદ અને વડોદરા સાથે મુંબઈ સ્ટેશન પર આ સુવિધા શરૂ કરાઈ છે. ટિકિટ બુકિંગ કરાવનારને ફિઝિકલ ટિકિટ અપાશે સાથે તેણે આપેલા મોબાઈલ નંબર ઉપર એક લિંક આવશે. જે લિંક ખોલતા તેની ટિકિટની તમામ વિગતો અંદર દેખાશે જેથી અધિકારી દૂરથી તેની ટિકિટ ચેક કરી શકશે.