(એજન્સી) તા.ર૮
દેશના વિવિધ રાજ્યોમાં અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ક્યારે ચૂંટણીઓ યોજવી તે અંગેની તમામ સત્તા દેશના બંધારણે ચૂંટણીપંચ જેવી સ્વાયત્ત સંસ્થાને આપેલી છે જેની સત્તામાં કિપણ મુખ્યમંત્રી, લેફ્ટનન્ટ ગવર્નર કે વડાપ્રધાન પણ હસ્તક્ષેપ ન કરી શકે તે સર્વવિદિત છે, પરંતુ તાજેતરમાં જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નરે ચૂંટણીપંચની સત્તામાં હસ્તક્ષેપ કરતું એક વિવાદાસ્પદ નિવેદન કરતાં ચૂંટણીપંચ હરકતમાં આવી ગયું હતું અને તેમને સણસણતો જવાબ આપ્યો હતો કે તેમણે ચૂંટણીપંચની સત્તામાં હસ્તક્ષેપ કરવો જોઇએ નહીં. ચૂંટણીપંચે કહ્યું હતું કે ચૂંટણીઓ ક્યારે યોજવી અને કયા સમયે યોજવી તે ગેનો નિર્ણય ભારતનું ચૂંટણીપંચ જ લઇ શકે. વાસ્તવમાં જમ્મુ-કાશ્મીરના પ્રચાર માધ્યમોમાં એવો એક અહેવાલ પ્રસિદ્ધ થયો હતો જેમાં જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર જીસી મૂર્મૂને એમ કહેતા ટાંકવામાં વ્યા હતા કે જમ્મુ-કાશ્મીરના કેન્દ્ર શાસિત પ્રદેશમાં હાલ ચાલી રહેલી સીમાંકનની પ્રક્રિયા પૂરી થયા બાદ જ ચૂંટણીઓ યોજી શકાશે. તેમના આ નિવેદનનો સણસણતો જવાબ આપાત ચૂંટણીપંચને તેમની સત્તાનું ભાન કરાવવાની ફરજ પડી હતી. યાદ રહે કે જમ્મુ-કાશ્મીરમાં મહેબૂબા મુફ્તિની ચૂંટાયેલી સરકારનું બે વર્ષ પહેલાં પતન થયું ત્યારથી આજદિન સુધી ચૂંટણીઓ યોજાઇ નથી જેના માટે ચૂંટણીપંચે સુરક્ષાના કારણો આગળ ધર્યા હતા. ભારતના બંધારણે ચૂંટણીપંચને જે સત્તાઓ આપી છે તેમાં હસ્તક્ષેપ કરતાં નિવેદનો કરવાથી તમામ સરકારી સંસ્થાઓએ અને સત્તાધિશોએ દૂર રહેવું જોઇએ એમ ચૂંટણીપંચે તેના નિવેદનમાં કહ્યું હતું. કોઇપણ રાજ્યમાં કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં ચૂંટણીઓનું આયોજન કરતાં પહેલાં તે વિસ્તારની ભૌગોલિક રચના, હવામાન, સ્થાનિક તહેવારોની ઉજવણી સાથે સંકળાયેલી સંવેદનશીલતા જેવા અનેક મુદ્દાઓ ધ્યાનમાં લેવા પડે છે એમ ચૂંટણીપંચે કહ્યું હતું. હવે કોરોના વાયરસ એક નવી ચિંતાનો વિષય બન્યો છે એમ પંચે ઉમેર્યું હતું. ઉલ્લેખનીય છે કે ગત માસે ચૂંટણીપંચે ૬૫ વર્ષથી વધુ વય ધરાવતા મતદારો માટે બેલેટ પેપરની મદદથી મતદાન કરવા દેવાનાં પગલાં જાહેર કર્યા હતા. જો કે થોડા દિવસોમાં જ પંચે તે પગલાં પાછા ખેંચી લીધા હતા.