અમદાવાદ, તા.રપ
શહેરના વેજલપુર વિસ્તારમાં પોલીસને થાપ આપીને એક આરોપી ફરાર થઈ ગયો હોવાનો બનાવ બન્યો છે. ત્યારે પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. પ્રાપ્ત વિગતો મુજબ શહેરના વેજલપુર વિસ્તારમાં એપીએમસી માર્કેટ પાસે આવેલા વેજલપુર પોલીસ સ્ટેશનમાંથી એક આરોપી પોલીસને હાથતાળી આપીને ભાગી ગયો હતો. આરોપી પોલીસ સ્ટેશનમાંથી ભાગીને એપીએમસી માર્કેટ તરફ ભાગી ગયો હતો. ત્યારે પોલીસ અને સ્થાનિકોનું ટોળું તેની પાછળ દોડયું હતું તેમ છતાં આરોપી પલાયન થઈ ગયો હતો. ત્યારે આ મામલે વેજલપુર પોલીસે આરોપીને પકડવા ચક્રોગતિમાન કર્યા હતા. સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ પોલીસ સ્ટેશનમાંથી ભાગી ગયેલો આરોપી વાહન ચોરીમાં પકડાયો હતો. અત્રે નોંધનીય છે કે, પોલીસ સ્ટેશનમાંથી એક આરોપી ભાગી જાય તે પોલીસ માટે કેટલી શરમની વાત કહેવાય. ખરેખરમાં જો પોલીસનો ડર આરોપીઓમાં હોય તો કોઈ આરોપી પોલીસ સ્ટેશનમાંથી ભાગવાની હિંમત કરે જ નહીં ત્યારે પોલીસ સ્ટેશનમાંથી જ ભાગીને આરોપીએ પોલીસનો ખુલ્લો પડકાર ફેંકયો છે. ત્યારે હવે પોલીસ આરોપીને કયારે પકડે છે ? તેવું જોવું રહ્યું.