બસમાં મુસાફરોને ઘેનયુક્ત બિસ્કીટ ખવડાવી ૧.૦૭ લાખના દાગીના ઉતારી આરોપી ફરાર

(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૮
સુરતથી વડોદરા આવવા વોલ્વો બસમાં બેઠેલા મુંબઇના યુવાનને બાજુમાં બેઠેલા મુસાફરે ઘેનયુકત બીસ્કીટ ખવડાવી યુવાને પહેરેલ અછોડા સહિત એક લાખ ઉપરાંતની કિંમતનાં દાગીના ઉતારી ચોરી કરી જતાં પાણીગેટ પોલીસે તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર મુંબઇના વિરાર (ઇસ્ટમાં) વાત્સલ્ય કોમ્પલેક્ષમાં રહેતાં હરીશભાઇ અર્જુનસિંહ સોનાર સુરત કામ અર્થે આવ્યાં હતાં. જ્યાંથી તેમને વડોદરા આવવાનું હોવાથી તેઓ સુરતથી વોલ્વો બસમાં બેસી વડોદરા આવવા નિકળ્યા હતા. દરમ્યાન વડોદરા પહોંચતા પૂર્વે હરીશભાઇની બાજુમાં બેઠેલા અજાણ્યા યુવાને હરીશભાઇ સાથે વાતચીત કરી તેમની સાથે મિત્રતા કેળવી વિશ્વાસ જીતી પોતાની પાસેથી ઘેનયુકત બિસ્કીટ હરીશભાઇને ખવડાવી દેતાં તેઓ બેહોશ થઇ ગયા હતા. દરમ્યાન ગઠીયાએ હરીશભાઇ એ પહેરેલ સોનાનો અછોડો, હાથનો બ્રેસલેટ, વીંટી મળી કુલ ૧,૦૭,૫૦૦ ની કિંમતનાં દાગીના ચોરી કરી બસ રોકાતાં ઉતરીને ફરાર થઇ ગયો હતો. વડોદરા પહોંચતા ભાનમાં આવેલા હરીશભાઇએ બનાવ અંગે પાણીગેટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks