(સંવાદદાતા દ્વારા) જામનગર, તા.૨૦
લાલપુરના બાધલા ગામમાં એક પરપ્રાંતિય પરિણીતા પર તેજ ગામના બે શખ્સોએ ત્રણ દિવસ પહેલાં દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ પોલીસમાં કરતા પોલીસે આરોપીઓને અટકાયતમાં લઈ તેના તથા પરિણીતાના તબીબી પરિક્ષણ કરાવ્યા છે. લાલપુર તાલુકાના બાધલા ગામના સીમ વિસ્તારમાં રહેતી એક પરપ્રાંતિય પરિણીતા ગયા મંગળવારે બપોરના સમયે પોતાના રહેણાંકના સ્થળેથી પાણી ભરવા માટે બહાર નીકળી હતી. આ વેળાએ તે પરિણીતાને અચાનક ધસી આવેલા બે શખ્સોએ પકડી નજીકમાં આવેલી એક શાળાના ટોયલેટ પાસે લઈ જઈ તેણી પર પાશવી દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યાર પછી બન્ને શખ્સોએ તે પરિણીતાને ધમકી આપી નાસી છૂટયા હતા. હેબતાયેલી પરિણીતા પોતાના ઘેર પરત ફર્યા પછી બે દિવસ સુધી ગુમસુમ રહી હતી જેનું કારણ તેણીના પતિએ પૂછતા આ પરિણીતાએ ઉપરોક્ત બનાવની વિગત પતિને આપી હતી જેના પગલે લાલપુર પોલીસ સ્ટેશનમાં ધસી ગયેલા પતિ-પત્નીએ ફોજદાર સમક્ષ ઉપરોક્ત વિતક વર્ણવતા પોલીસે વિધિવત ગુન્હો નોંધી આરોપી પ્રવિણ રમેશ ખરા ઉર્ફે મુન્ના તથા મનોજ ઉગા ઉર્ફે મનકા નામના બે શખ્સોની અટકાયત કરી આરોપીઓ તથા તે પરપ્રાંતિય પરિણીતાના તબીબી પરીક્ષણ કરાવ્યા છે.